ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ઉમેદવારો દ્વારા કાયમી ભરતી કરવા મુદ્દે અવારનવાર સરકાર સમક્ષ માંગણી મૂકી છે. તેમજ વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને ગુજરાતમાં વિવાદ સામે આવ્યો હતો. શિક્ષણ વિભાગને લગતા ઘણા વિવાદો સામે આવતા રહે છે. તેવામાં ગુજરાતમાં શિક્ષકો ભરતી પ્રક્રિયાને લઈને વધુ એક વિવાદ ઉભો થયો છે.


ભૂગોળ વિષયના ઉમેદવારોનો વિવાદ

ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભરતીને લઈને ભૂગોળ વિષયના ઉમેદવારો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, તેમને પૂરતો ન્યાય મળ્યો નથી અને શાળાની ફાળવણીમાંથી તેમને બાકાત રાખવામાં આવ્યા છે. માહિતી અનુસાર, 21 મેના રોજ અન્ય વિષયોના ઉમેદવારોને પોસ્ટિંગ આપવામાં આવી હતી, પરંતુ ભૂગોળ વિષયના ઉમેદવારોને કોઈ પણ પ્રકારની ફાળવણી આપવામાં આવી ન હતી. આ બાબતે ઉગ્ર અસંતોષ વ્યક્ત કરતાં ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડમાં રજૂઆત કરી છે. ભૂગોળ વિષયના ઉમેદવારોનો દાવો છે કે તેઓ પૂરતી લાયકાત ધરાવે છે, છતાં તેમને પસંદગી પ્રકિયા પરથી બહાર રાખવામાં આવ્યા છે.

ઉમેદવારોએ આક્ષેપ લગાવ્યો

આ સમગ્ર પ્રક્રિયા સામે અન્યાયના ગુસ્સાથી ઉમેદવારોએ અવાજ ઉઠાવ્યો છે. ઉમેદવારોએ પોતાની સાથે થયેલા અન્યાયનો આક્ષેપ લગાવ્યો હતો. ભરતીને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડે નિવેદન આપ્યું છે કે, કેટલાક ઉમેદવારો દ્વારા દાખલ કરાયેલા કોર્ટ કેસોને પગલે ભરતી પ્રક્રિયા હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે.કોર્ટની સૂચના પ્રમાણે આગળની ભરતી કરાશે. તો ઉમેદવારોએ માંગણી કરી છે કે, સરકાર અને બોર્ડ તેમને ન્યાય અપાવે.શિક્ષકોમાં વ્યાપેલા અસંતોષને પગલે તેમની રજૂઆતને ધ્યાને રાખીને આગળ કોઈ નિર્ણય લેવામાં આવશે.

  • Follow us on: