રાજ્યના વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલમાં રાહત માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022-23માં રૂપિયા 8,233 કરોડ અને વર્ષ 2023-24માં રૂપિયા 9,771 કરોડ એમ કુલ 2 વર્ષમાં રૂપિયા 18,004 કરોડની સબસિડી આપવામાં આવી છે.
2 દાયકામાં ખેડૂતોને 14 લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવ્યા
ઊર્જા મંત્રીએ કહ્યું કે આપણો ખેડૂત ખેતરમાં દિવસ-રાત મજૂરી કરીને વિવિધ ખેતપેદાશો દ્વારા સમાજની જરૂરિયાતો પૂરી પાડે છે. ખેડૂતોને તેમની ખેત-પેદાશોની પડતર કિંમત નીચી આવે અને યોગ્ય વળતર મળી રહે તેમજ પરોક્ષ રીતે સામાન્ય વ્યક્તિઓને પણ સસ્તી ખેતપેદાશો થકી ફાયદો થાય તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વીજ બિલમાં વિવિધ રાહતો આપવામાં આવે છે. રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણો અંગે વિગતો આપતા મંત્રીએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં ખેડૂતોને 14 લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવ્યા છે. આમ હાલમાં ખેતીવાડી વીજ જોડાણની કુલ સંખ્યા 21 લાખથી વધુ છે. તદુપરાંત રાજ્યના ખેડૂતોને વીજ દરના તફાવતની રકમ, ઈલેક્ટ્રિસિટી ડયુટી તેમજ ફયુઅલ સરચાર્જ ભરપાઈ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. છેલ્લા 2 દાયકામાં ખેડૂતોના વીજ દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી જે સરકારની ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સબસિડી ખેડૂતોને આપવામાં આવી
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા 2 વર્ષમાં વીજ બિલમાં સબસિડી મુદ્દે મંત્રીએ જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ 2023માં 43,468 ખેડૂતોને રૂપિયા 701.44 કરોડ તથા વર્ષ 2024માં 44,471 ખેડૂતોને રૂપિયા 637.65 કરોડની એમ કુલ રૂપિયા 1339.09 કરોડની સબસિડી આપવામાં આવી છે. એ જ રીતે, અમરેલી જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ-2023માં 1,32,463 ખેડૂતોને રૂપિયા 377.41 કરોડ તથા વર્ષ-2024માં 1,35,793 ખેડૂતોને રૂપિયા 339.28 કરોડની એમ છેલ્લા બે વર્ષમાં કુલ રૂપિયા 716.69 કરોડની સબસિડી આપવામાં આવી છે.
સબસિડીથી ખેડૂતોને મળી મોટી રાહત
આ અંગે વધુ વિગતો આપતા ઊર્જા મંત્રીએ જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ-2023માં 31,637 ખેડૂતોને રૂપિયા 153.04 કરોડ તથા વર્ષ-2024માં 34,048 ખેડૂતોને રૂપિયા 135.09 કરોડની સબસિડી આપવામાં આવી છે. આમ, ખેડૂતોને કુલ રૂપિયા 288.13 કરોડની વીજ બિલમાં રાહત આપી છે. તેમજ નવસારી જિલ્લામાં વીજ બિલમાં રાહત પેટે વર્ષ 2023માં 52,205 ખેડૂતોને રૂપિયા 74.87 કરોડ તથા વર્ષ 2024માં 52,369 ખેડૂતોને રૂપિયા 66.92 કરોડની સબસિડી આપવામાં આવી છે. આમ, છેલ્લાં 2 વર્ષમાં ખેડૂતોને કુલ રૂપિયા 141.79 કરોડની વીજ બિલમાં રાહત આપવામાં આવી છે.
આ ઉપરાંત સાબરકાંઠા, ખેડા, સુરત, સુરેન્દ્રનગર, ભરૂચ, રાજકોટ, જૂનાગઢ, દાહોદ, ભાવનગર, કચ્છ, ગાંધીનગર, વડોદરા, મોરબી, વલસાડ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વીજ બિલમાં રાહત પેટે સબસિડી આપવામાં આવી હોવાની વિગતો લેખિત પ્રત્યુત્તરમાં જણાવી હતી.













