રાજ્યમાં કોળી, ઠાકરો સમાજ પરના કેસો પરત ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ અંગે લેખિતમાં રજૂઆત કરી છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે રાજ્યમાં વસતા કોળી અને ઠાકોર સમાજના આંદોલન થયા તેમાં આંદોલન ડામવા માટે પોલીસ દ્વારા બળપ્રયોગ થયો હતો અને કેસ થયા તે પરત ખેંચવા રજૂઆત કરી છે.
પાટીદાર આંદોલનના કેસો સરકારે પરત ખેંચ્યાઃ ધારાસભ્ય ઉમેશ મકવાણા
ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ખોટી રીતે કેસ થયા તે તમામ કેસ પરત ખેંચવા સરકારને રજૂઆત કરી છે. 455 કેસ પાટીદાર આંદોલનના કેસ હતા. રાજદ્રોહ, પોલીસ ચોકી સળગાવવી, પોલીસ પર હુમલાના કેસ પરત ખેંચવા સરકારે અરજી કરી છે તો એ જ રીતે કોળી, ઠાકોર સમાજના આંદોલનમાં થયેલા કેસ પાછા ખેંચવામાં આવે તેવી રજૂઆત કરી છે.
પાટીદાર અનામત આંદોલન સમયના રાજદ્રોહના કેસ પરત ખેંચવા કોર્ટની મંજૂરી
તમને જણાવી દઈએ કે 1લી માર્ચે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસો અંગે મોટા સમાચાર સામે આવ્યા હતા. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ સામે સરકારે રાજદ્રોહના કેસને પાછા ખેંચવા કોર્ટે મંજૂરી આપી દીધી હતી. આ મામલે રાજ્ય સરકારે કોર્ટમાં દરખાસ્ત કરી હતી, જેને કોર્ટની મંજૂરી મળી છે.
10 વર્ષ પહેલા રાજ્યમાં પાટીદાર આંદોલન થયું હતું
ઉલ્લેખનીય છે કે 10 વર્ષ પહેલા રાજ્યમાં પાટીદાર આંદોલન થયું હતું. ત્યારે તે સમયે ગુજરાત રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. આ આંદોલનના પડઘા હાઇકમાન્ડ સુધી જોવા મળ્યા હતા. તે સમયે રાજ્ય સરકારે અનામત આંદોલન સાથે જોડાયેલા કેટલાક પાટીદાર નેતાઓ સામે રાજદ્રોહ સહિતના કેસો દાખલ કર્યા હતા. જેને હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે.