ગુજરાત સરકારને GST હેઠળ નાણાકીય વર્ષ 2024-25માં મોટી આવક થઈ છે. ગુજરાત સરકારને નાણાકીય વર્ષ 2024-25માં 73,281 કરોડની આવક થઈ છે. વર્ષ 2023-24ની સરખામણીમાં સરકારને આવકમાં 14 ટકાનો વધારો થયો છે. વર્ષ 2024-25માં વેટ હેઠળ સરકારને 33,896 કરોડની આવક થઈ છે તો વિદ્યુત શુલ્ક હેઠળ 11,741 કરોડની આવક થઈ અને વ્યવસાય વેરાની 261 કરોડ આવક થઈ છે.
માર્ચ 2025માં કર વિભાગને 10,335 કરોડની આવક
ત્યારે સરકારને વર્ષ 2024-25માં કર વિભાગમાં 1,19,178 કરોડની આવક થઈ છે. માર્ચ 2025માં કર વિભાગને 10,335 કરોડની આવક થઈ છે. ત્યારે એમનેસ્ટી સ્કીમ હેઠળ કરદાતાઓએ 583 કરોડના માગણા સાથે 4,120 વિવાદી અરજીઓ પરત ખેંચી છે. તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારને GST દ્વારા ફેબ્રુઆરી મહિનામાં તગડી કમાણી થઈ હતી. નાણાકીય વર્ષ 2024-25માં રાજ્ય કરવેરા વિભાગની આવકમાં વધારો નોંધાયો હતો. પ્રથમ 11 મહિનામાં રાજ્ય કર વિભાગને કૂલ 1,09,192 કરોડની આવક થઈ હતી. ફેબ્રુઆરી સુધીમાં GSTની આવકમાં 15%નો વધારો નોંધાયો હતો અને રાજ્ય સરકારની તિજોરીમાં મોટી રકમ જમા થઈ હતી.
જાન્યુઆરીમાં થઈ હતી તગડી કમાણી
તમને જણાવી દઈએ કે રાજ્યને જાન્યુઆરી 2025માં વેટ હેઠળ રૂપિયા 2,856 કરોડની આવક થઈ હતી તો વિદ્યુત શુલ્ક હેઠળ 2,998 કરોડ રૂપિયાની આવક નોંધાઈ હતી. જ્યારે વ્યવસાય વેરા હેઠળ સરકારને રૂપિયા 21 કરોડની આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં જીએસટીની આવકમાં મોટો વધારો નોંધાયો હતો. ત્રીજા કવાર્ટરમાં ગુજરાતમાં જીએસટીની આવકમાં 19 ટકાનો વધારો નોંધાયો હતો. ચાલુ નાણાકીય વર્ષે ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીએસટી હેઠળ 18,448 કરોડ રૂપિયાની આવક થઈ હતી.