એપ્રિલ મહિના દરમિયાન દેશના GST કલેક્શનમાં મોટો વધારો થયો છે.સરકારી આંકડા મુજબ એપ્રિલ મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે 12.6 ટકા વધીને 2.37 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. બીજી તરફ ગુજરાતમાં પણ GSTની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. એપ્રિલ મહિનામાં રાજ્યની GSTની આવકમાં 21 ટકાનો વધારો નોંધાયો છે.
ગત વર્ષના સમાન સમયગાળા કરતા આવક 12% વધી
એપ્રિલ 2025માં ગુજરાતની GSTની આવકમાં 21 ટકાનો વધારો નોંધાયો છે. એપ્રિલમાં GSTની આવક વધી 8,564 કરોડ થઇ છે.વેટની આવક 2,685 કરોડ અને વીજશુલ્કની 940 કરોડ થઇ છે. એપ્રિલમાં વ્યવસાય વેરાની 20 કરોડની આવક થઇ છે. GST, વેટ, વીજકર સહિત કુલ 12,209 કરોડની આવક થવા પામી છે.ગત વર્ષના સમાન સમયગાળા કરતા આવક 12% વધી છે.
આ રાજ્યોમાં GSTની આવકમાં થયો વધારો
દેશના જીએસટી કલેક્શનમાં વધારો નોંધાવા સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ વધારો નોંધાયો છે. લક્ષદ્વીપમાં GST કલેક્શનમાં 287%નો વધારો થયો છે.અરુણાચલ પ્રદેશમાં 66% વધારો નોંધાયો છે,મેઘાલય અને નાગાલેન્ડમાં અનુક્રમે 50% અને 42% વધારો થયો છે. હરિયાણા, બિહાર અને ગુજરાત જેવા મોટા રાજ્યોએ પણ બે આંકડામાં વૃદ્ધિ નોંધાવી છે.આંધ્રપ્રદેશ, ત્રિપુરા અને મિઝોરમમાં ઘટાડો જોવા મળ્યો છે,જેમાં મિઝોરમમાં સૌથી મોટો 28% ઘટાડો જોવા મળ્યો છે.