રાજ્યમાં તમામ જિલ્લાઓના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. છેલ્લા 2 કલાકમાં રાજ્યના 75 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. રાજ્યભરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે અને વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં મહિસાગરના ખાનપુર તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે તો મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં માત્ર બે કલાકમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે.
વડોદરા તાલુકામાં પણ સવા ઈંચ વરસાદ નોંધાયો
બીજી તરફ સાંજે 6થી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના શિહોર તાલુકામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. ગાંધીનગરના માણસામાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે. વડોદરા જિલ્લાના વડોદરા તાલુકામાં સવા ઈંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે 5 લોકોના મોત
બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં ભારે પવન અને કરા સાથે વરસેલા વરસાદે તારાજી સર્જી છે. એક જ દિવસમાં પાંચ લોકોના મોત થયા છે. વડોદરામાં એક રીક્ષા ચાલક પર વીજતાર અને બીજા પર કાટમાળ પડતા બંનેના મોત નિપજ્યા હતા તો અરવલ્લીમાં વીજળી પડતા બે યુવકોના મોત નિપજ્યા છે. અમદાવાદના ધોળકા હાઈવે પર રીક્ષા પર હોર્ડિંગ પડતા ચાલકનું મોત નિપજ્યું છે.
દહેગામમાં ગાડી પર ઝાડ થયું ધરાશાયી
ગાંધીનગરના દહેગામમાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદ પણ વરસ્યો છે. ત્યારે આ ભારે પવનના કારણે શ્રીનાથ બંગલો પાસે કાર પર ઝાડ ધરાશાયી થયું છે. જો કે ઝાડ ધરાશાયી થવાની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને દહેગામના દંપતીનો આબાદ બચાવ થયો છે. દહેગામના શ્રીનાથ બંગલો પાસે વાવાઝોડા દરમિયાન એક કારમાં સવાર દંપતી પર ઝાડ ધરાશાયી થયું હતું. જેમાં શાહ દંપતીનો આબાદ બચાવ થયો છે. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા ઝાડ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
શિનોરમાં ભારે પવનથી 100 ફૂટ લંબાઈનો પતરાનો શેડ ઉડી ગયો
બીજી તરફ વડોદરાના શિનોરમાં ભારે પવનથી 100 ફૂટ લંબાઈનો પતરાનો શેડ ઉડી ગયો છે. સાધલીમાં પતરાનો શેડ ઉડી રોડ પર પડ્યો છે. સાધલી વડોદરા માર્ગ પર વીજ પોલ ધરાશાયી થયો છે, વીજપોલ ધરાશાયી થતાં જ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે શિનોર પંથકમાં ધીમીધારે વરસાદ ચાલુ છે. શહેરના સોમા તળાવ સર્કલ પાસે ભારે પવનથી રેલિંગ ધરાશાયી થઈ છે. ક્રોસ લેન્ડ કોમ્પ્લેક્સની રેલિંગ ધરાશાયી થઈ છે. રેલિંગ પડતા કેટલાક લોકોને સામાન્ય ઈજા પહોંચી છે અને ચાર જેટલા વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.