ગુજરાતમાં ફરી તીવ્ર ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. કાળઝાળગરમીથી આંશિક રાહત મળ્યા બાદ ફરી તાપમાનમાં વધારો થતા ગરમીનું મોજું જોવા મળશે. ઉત્તરીય ભાગોમાં વાદળ ફાટતા ભૂસ્ખલ અને વરસાદની અસર ગુજરાતમાં પણ જોવા મળી. ઉત્તરીય ભાગમાંથી ઠંડા પવનોનું જોર રહેતા ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનનો પારો નીચે આવ્યો. પર્વતીય વિસ્તારોમાં હવામાનમાં થયેલા બદલાવના કારણે ગુજરાતમાં પણ 43 ડિગ્રી તાપમાનથી પારો નીચે આવતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. પરંતુ હવે ફરી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં તાપમાન 39 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. 


રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ જોવા મળશે.  રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. અગાઉ એપ્રિલના આરંભમાં મહત્તમ તાપમાનમાં વધારો થતા સરેરાશ તાપમાન 43 ડિગ્રીના પાર થયું હતું. જેના બાદ એપ્રિલના મધ્યમાં ઠંડા પવનોના કારણે તાપમાનનો પારો ગગડયો હતો. અને હવે ફરી એપ્રિલના અંતમાં તાપમાન 43 ડિગ્રીને પાર થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે. તાપમાનમાં વધારો થતા હવામાન વિભાગે અનેક સ્થાનો પર હિટ વેવ અને ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે.

જાણો વિવિધ વિસ્તારનું તાપમાન

જમ્મુ-કાશ્મીરમાં વરસાદની અસર ગુજરાત પર પણ જોવા મળી હતી. હવે ફરી ગુજરાત ગરમ થવા જઈ રહ્યું છે. IMD મુજબ આજે અમદાવાદમાં 40.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.3 ડિગ્રી, ડીસામાં 39.7 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, સુરતમાં 38 ડિગ્રી, ભુજમાં 41.1 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 41.2 ડિગ્રી, અમરેલીમાં 41.6 ડિગ્રી, રાજકોટમાં 42 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.2 ડિગ્રી, કેશોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજ્યમાં વધતી ગરમીના પ્રકોપને લઈને તંત્ર દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા શ્રમિકો પાસે બપોરના સમયમાં કામ ના કરાવાના નિર્દેશ કરાયા છે. તેમજ અનેક વિસ્તારોમાં જાહેરમાર્ગ પર પાણીની સુવિધા પૂરી પાડવાના સેવાકાર્ય શરૂ કરાયું છે તેમજ બસ સ્ટોપર કુલર મૂકયા છે. 

  • Follow us on: