ગુજરાતમાં એપ્રિલ મહિનાના આરંભ સાથે અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સરેરાશ તાપમાનનો પારો 43 ડિગ્રીએ પંહોચતા રાજ્યવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. હવામાનવિભાગે આગામી 3 દિવસોમાં પણ કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગને એલર્ટની આગાહી
હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં જુદા-જુદા વિસ્તારોમાં ગરમીના પ્રકોપને લઈને આગાહી કરી છે. કચ્છમાં સિવિયર હિટવેવનું રેડ એલર્ટ આપ્યુ છે.જ્યારે સૌરાષ્ટ્રમાં હિટવેવનું ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. મહેસાણા, મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સુરત અને વલસાડમાં પણ યલો એલર્ટ જારી કર્યું છે. અમદાવાદમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે.
અમદાવાદમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ
અમદાવાદમાં પહેલીવાર તાપમાન 43 ડિગ્રીએ પહોંચી ગયું છે. આ સાથે અમદાવાદના લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. દિવસ દરમિયાન ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલામાં નોંધાયું હતું, જ્યાં પારો 46 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આ સાથે, કંડલામાં પરિસ્થિતિ અત્યંત ગરમ થઈ ગઈ છે અને ગરમીને કારણે લોકો ઘરની અંદર રહેવા મજબૂર છે.
જાણો ક્યાં કેટલું તાપમાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 42.9, ગાંધીનગરમાં 42.9 ડિગ્રી, ડીસામાં 43.2, વલ્લભ વિદ્યાનગરમાં 40.7 ડિગ્રી,વડોદરામાં 41.6, સુરેન્દ્રનગરમાં 44.0 ડિગ્રી તાપમાન, નલિયામાં 38.2, ભુજમાં 42.9 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 38, રાજકોટમાં 44.2 ડિગ્રી તાપમાન, કેશોદમાં 41.8, મહુવામાં 39.6ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં ગઈકાલે મહત્તમ તાપમાનમાં વધારો જોતાં સૌથી વધુ કંડલા ગરમ શહેર રહ્યું.રાજ્યભરમાં ગરમીએ માઝા મૂકતા દરિયાઇ કાંઠાના વિસ્તારમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળશે.
લઘુત્તમ તાપમાનમાં વધારો
રાજયમાં હજી પણ કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. કચ્છમાં સિવીયર હિટવેવની હવામાન વિભાગની આગાહી કરી છે. બપોરે ગરમ પવન ફૂંકાશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શનિવારે લઘુતમ તાપમાન 25.6 અને મહત્તમ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવાની ગતિ 8 કિમી ભેજ 17 ટકા રહ્યો હતો. લઘુતમ તાપમાન 0.8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 0.6 ડિગ્રી વધી ગયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન વધુ વધી શકે છે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં ગરમીના મોજા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કાળઝાળ ગરમીને લઈને તંત્ર દ્વારા લોકોને તકેદારી રાખવાની સલાહ આપી છે.













