કચ્છમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજે સવારે 10 કલાકથી વિધિવત્ પ્રારંભ થઈ ગયો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષાર્થીઓએ ધોરણ 10માં ગુજરાતીનું અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું અને સાયન્સ પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર આપ્યું હતું. ખાસ કરીને ધોરણ 10નું ગુજરાતીનું પ્રથમ પેપર સાવ સરળ નીકળતાં વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો.
પાઠની વચ્ચેથી એકએક લીટીમાંથી કાઢીને પૂછેલા પ્રશ્નોએ પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધાર્યો
પેપર સરળ હોવાને કારણે સમયમર્યાદામાં પણ પેપર પૂર્ણ કરવામાં વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી નહીં પડતાં બાકીનાં પેપરો પણ આટલા જ સરળ નીકળે તેવી અપેક્ષાઓ સેવી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે એવરેજ કહી શકાય તેવા પેપરમાં બે ત્રણ વાક્યવાળા પ્રશ્નો, પાઠની વચ્ચેથી એકએક લીટીમાંથી કાઢીને પૂછેલા પ્રશ્નોએ પરીક્ષાર્થીઓનો ઉત્સાહ વધાર્યો છે. કારણ કે, પ્રથમ પેપરમાં જ તમામ પ્રશ્નો સરળ નીકળતાં છાત્રો નિયત સમયમાં પેપર પૂર્ણ કરી શક્યા હતા. વળી, સિલેબર્સ બહારનાં પણ કોઈ પ્રશ્ન પૂછાયા ન હતા જેને કારણે પણ પેપર ઈઝી રહ્યું હતું. હાલે સરકાર પણ આપણી માતૃભાષા ઉપર ભાર મુકી રહી છે, તેવામાં વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્ત્વ વિશે નિબંધ પૂછાતાં આ વિષય પર લખવામાં પણ છાત્રોએ આનંદ અનુભવ્યો હતો. જે રીતનું આજે પ્રથમ પેપર ગયું તે જ રીતે આવતી કાલનું ગણિતનું પેપર પણ જાય તેવું પરીક્ષાર્થીઓ ઈચ્છી રહ્યા છે.
ગુજરાતીનું પેપર સરળ નીકળતાં સમય અવધિમાં પૂર્ણ કરી શકાયું
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનાં પહેલા દિવસનાં પેપર વિશે ક્રિશા ઉમરાણિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતીનું પ્રથમ પેપર હતું અને તે પણ સાવ ઇઝી હોવાને કારણે લખવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી પડી ન હતી. એટલું જ નહીં સમયમર્યામાં પણ પૂર્ણ કરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી પડી ન હતી. આજના પેપરમાં બહારનાં કોઇપણ પ્રશ્ન પૂછાયા ન હોતાં હાશકારો થયો છે. તમામ પ્રશ્નો સિલેબર્સમાંથી જ પૂછાયા હોવાથી પેપર લખવામાં પણ મજા પડી ગઇ હતી.
બે ત્રણ વાક્યવાળા પ્રશ્નોના જવાબ અમુકમાં અઘરા પૂછયા
ધાત્રીબા ચૂડાસમાએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતની પેપર સાવ સરળ હતું, એવરેજ કહી શકાય તેવા પેપરમાં મુખ્યત્વે બે ત્રણ વાક્યવાળા પ્રશ્નોનાં જવાબ અમુકમાં અઘરા પૂછયા હતા. પાઠની વચ્ચેથી એકએક લીટીમાંથી કાઢીને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જોકે, આ પ્રકારની પહેલેથી જ તૈયારી પણ કરી હતી જેને કારણે નિયત સમયમાં પ્રશ્નનાં જવાબ લખી શક્યા હતા. પ્રથમ પેપર સાવ સરળ હોય ત્યારે સ્વાભાવિકપણે ઉત્સાહમાં વધારો થાય.
માતૃભાષાનું મહત્ત્વ સહિતના નિબંધો પૂછાયા
ધોરણ 10ના વિદ્યાર્થી દેવ હીરાણીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતીનું પ્રથમ પેપર હતંુ અને પ્રશ્નો પણ સરળ હોવાથી તમામ પ્રશ્નો આવડી ગયા હતા, જેને કારણે નિયત સમયમાં પેપર પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી નહીં. સિલેબર્સ બહારનાં કોઇપણ પ્રશ્ન પૂછાયા ન હતાં જેને કારણે પેપર ઇઝી લાગ્યું હતું. આ વખતે નિબંધમાં માતૃભાષાનું મહત્ત્વ, 'નારી તું નારાયણી' અને 'વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો' વિષય હતા. આ વિષય ઉપર લખવામાં આનંદ આવ્યો.