હળવદના સુરવદર ગામે પ્રેમ પ્રકરણમાં રવિવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ રાયધ્રા અને શક્તિનગરના આરોપીઓએ યુવાનનું અપહરણ કરવા જતા વચમાં પડેલાં આધેડની હત્યા કરી હતી.મૃતકનાં ભત્રિજાએ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જેમાં ચાર આરોપીની નામજોગ અને બીજા અજાણ્યા મળીને 9 સામે ગુનો દાખલ થયો છે. ત્યારે પોલીસે હાલમાં ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
આરોપીઓએ યુવકના કાકાની હત્યા કરી નાંખી હતી
હળવદના સુરવદર ગામે ફરીયાદી કિરણ કરસનભાઈ ધામેચાનો ભાઈ મનોજ ધામેચા રાયધ્રા ગામની પરિણીત યુવતિને ભગાડીને લઈ જતા આરોપીઓ ફરિયાદીના ઘરે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ છરી ધોકા જેવા હથિયારો લઈને પહોંચ્યા હતા. યુવતીને ભગાડી જનાર મનોજ ધામેચા નહીં મળી આવતા તેના ભાઈ કિરણભાઈ ધામેચાનુ અપહરણ કરીને જતા હતા ત્યારે ફરિયાદીના કાકા ચંદુભાઈ ધામેચા છોડાવવા જતા આરોપી વિશાલે ચંદુભાઈને છાતીમાં છરીના ઘા મારી મોત નિપજાવ્યું હતું.
પગ અને માથાના ભાગે છરીના ઘા માર્યા હતા
મૃતક ચંદુભાઈનો દીકરો જયેશ તેમને છોડાવવા જતા આરોપી વિશાલે તેને પગ અને માથાના ભાગે છરીના ઘા માર્યા હતા.આ ઝઘડા દરમિયાન મૃતક ચંદુભાઈની દીકરી સંજના તથા જયસુખ આવતા અન્ય આરોપીઓએ ધોકા વડે મુઢ મારમાર્યો હતો જ્યાંથી તેમને જેતપર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ફરિયાદી કિરણે હળવદ પોલીસ મથકે વિશાલ રમેશભાઈ કોળી, શામજી રણછોડભાઈ કોળી સાગર રણછોડભાઈ કોળી રહે રાયધ્રા અને આશિષ બાબુભાઈ કોળી રહે શક્તિ નગર તથા અજાણ્યા ચારથી પાંચની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.