• વાસણા બેરેજમાં 7124 ક્યુસેક પાણીની જાવક
  • વાસણા બેરેજના 3 ફૂટ સુધી 4 દરવાજા ખોલાયા
  • ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે

અમદાવાદ સાબરમતી નદીની જળ સપાટી પણ વધી રહી છે. જેના લીધે વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા છે. 4 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 7124 ક્યુસેક પાણીનો નિકાલ કરાઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં બપોર પડતા જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોરે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદ શરૂ થયો હતો.

કોર્પોરેશનની કામગીરી ખુલ્લી પડી ગઈ

ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં ગોઠણ સમાં પાણી ભરાયાં છે. તો કેટલાક વિસ્તારમાં રોડ પર નદીઓ વહી રહી છે. તો બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે AMCના કર્મચારીઓ સાધનો સાથે હાજર રહેશે તેવી મોટી મોટી વાતો ઇજનેર વિભાગના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આજે વરસાદની વચ્ચે એક પણ કર્મચારી ક્યાંય દેખાયા નહોતા.

બોપલમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

અમદાવાદમાં બપોરે 12:30 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકમાં શહેરમાં સરેરાશ સવા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સૌથી વધારે વરસાદ પશ્ચિમ વિસ્તારમાં ગોતા અને સાયન્સ સીટી વિસ્તારમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે બોપલ વિસ્તારમાં સાડા છ ઇંચ જેટલો વરસાદ પડયો છે.

બસ પાણીમાં ફસાઈ

ગોતા વૃંદાવન હાઈટસ 4 રસ્તા પાસે સ્વિમિંગ પૂલનું નિર્માણ સર્જાયું છે. જશોદાનગર ખારી કટ કેનાલમાં પાણી બેક માયું છે, જ્યારે એસજી હાઇવે પર વિઝિબિલીટીનું દૃશ્ય જોવા મળ્યું હતું. આ ઉપરાંત ગોતામાં વૃંદાવન હાઇટ ચાર રસ્તા પાસે બે એમટીએસ બસ ખાડામાં ફસાઈ ગઈ છે. પોલાણવાળી માટી હોવાના કારણે બંને બસોનો આગળનો ભાગ અંદર ફસાઈ ગયો હતો.

અમદાવાદમાં હજી પાણી ઓસર્યા નથી

ચાંદખેડા અને ચાંદલોડિયા વિસ્તારમાં ચાર ઇંચ પડ્યો વરસાદ છે. પૂર્વ વિસ્તારમાં નરોડામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. હજી પણ શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ચાર કલાકથી અમદાવાદમાં અવિરત વરસાદ પડી રહ્યો છે જેના પગલે ઠેર ઠેર અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે અને હજી પણ પાણી ઓસર્યા નથી.


  • Follow us on: