ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઈને મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે 'હડતાળ કરીને તંત્રને બાનમા લેવું યોગ્ય નથી'. આરોગ્ય કર્મચારીઓ પોતાની હડતાળ નહીં સમેટે તો સરકાર દ્વારા પગલા લેવામાં આવશે. ગાંધીનગર ખાતે વિરોધ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય કર્મીઓની હડતાળ ગેરવ્યાજબી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય કર્મચારીઓની હડતાળને ગેરવ્યાજબી ગણાવી. વધુમાં તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગે કર્મચારીઓ સાથે બેઠક હતી. પરંતુ આરોગ્ય કર્મચારીઓ અમુક માંગણીઓ પર અડગ હતા. આરોગ્ય કર્મીઓ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ લાવવા તૈયાર જ ના હોવાનું લાગ્યું. અને એટલે જ કડક પગલાં લેતા આરોગ્ય કર્મીઓની મનમાની નહીં ચલાવતા સરકાર એકશનમાં આવી. આરોગ્ય એ ઇમરજન્સી સેવાઓ છે જેથી જ એસ્મા એક્ટ લગાવવામાં આવ્યો છે. સરકાર ફક્ત એક જ વિભાગ કે કેટલાક સેક્ટર પર ધ્યાન આપતી નથી. તમામ ક્ષેત્રમાં લોકોને પડતી સમસ્યાઓ અને પ્રશ્નો પર સરકારનું ધ્યાન હોય છે. અને એટલે જ સરકાર વહીવટ નો વિચાર કર્યા સિવાય પોતાના મનમાની કરવા આરોગ્ય કર્મીઓ આ પ્રકારની હડતાળ કરે તે યોગ્ય નથી.
આરોગ્ય કર્મીઓનો પડતર પ્રશ્નોને લઈને વિરોધ
રાજ્યના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોતાની માગને લઈને ગાંધીનગરમાં સત્યાગ્રણ છાવણી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય કર્મચારીઓના બે અલગ-અલગ સંગઠન લાંબા સમયથી ગ્રેડ પેમાં પગાર સુધારા તેમજ ટેક્નિકલ કેડરમાં સમાવેશ સહિતના મુદ્દે માગણી કરી રહ્યા છે. તેમની માગણીઓને લઈને સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં ના આવતા આરોગ્ય કર્મચારીઓએ આખરે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આજે સરકારે પણ કડક વલણ અપનાવતા આંદોલનકારીઓની અટકાયત શરૂ કરી છે.
આંદોલનકારીઓનો અટકાયતનો દોર
આરોગ્ય કર્મચારીઓના આંદોલનને લઈને આજે સચિવાલય પાસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. આજે આંદોલનકારીઓ CMને આપવાના આવેદનપત્ર આપવાના હતા.આંદોલનકારીઓ મુખ્યમંત્રી સુધી પંહોચે તે પહેલા જ તેમની અટકાયતનોન દોર શરૂ કરવામાં આવ્યો. ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા આદેશ અપાયા બાદ પોલીસે આરોગ્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીની અટકાયત કરી. સરકારે આરોગ્ય સેવાને પણ આવશ્યક સેવાઓમાં આવરી લેતા એસ્માનું નોટિફિકેશન લાગુ કર્યું. આવશ્યક સેવાઓ પર એસ્મા લાગુ કરવામાં આવે છે.