ગાંધીનગરમાં પતિએ પત્ની અને પુત્રની હત્યા કરી દેતા હાહાકાર મચી ગયો છે અને આ બન્નેની હત્યા કર્યા બાદ પતિએ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પતિને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.પતિ હરેશ વાઘેલાએ નસ કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો છે,તો 5 વર્ષીય પુત્ર ધ્રુવને તિજોરી સાથે માથુ અથડાવી હત્યા કરી અને પત્ની આશાબેનની બોથડ પદાર્થથી હત્યા કરી નાખી છે.
પતિ હરેશ વાઘેલાને પડોશીએ સારવાર માટે ખસેડયો
ગાંધીનગરના શ્રી રંગ નેનો સિટી વિભાગ-1માં એવી ઘટના બની હતી કે સૌ કોઈ ચિંતામાં મૂકાઈ ગયા હતા જેમાં પરિવારના સભ્યોની ઘરના મોભીએ હત્યા કરી નાખી હતી,તો પહેલા પુત્ર અને ત્યારબાદ પત્નીની હત્યા કરી નાખતા પોલીસ દોડતી થઈ હતી,આ સમગ્ર ઘટનાને લઈ પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી છે જેમાં શેરબજારમાં નાણાં ડૂબવાનું કારણ દર્શાવાયું છે અને તેના કારણે જ પત્ની અને પુત્રની હત્યા કરી હોવાની વાત સામે આવી છે,પોલીસ પતિની પૂછપરછ કરીને વધુ તપાસ હાથધરશે.
પતિએ હત્યા કરી પોતે પણ મરવાનો પ્રયાસ કર્યો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હરેશભાઈ કનુભાઈ વાઘેલા સલૂનની દુકાનમાં નોકરી કરે છે. તેમનાં પત્ની આશાબેન વાઘેલા રસોઈ કામ દ્વારા આર્થિક રીતે મદદરૂપ બનતા હતા. તેમનો પાંચ વર્ષનો દીકરો ધ્રુવ વાઘેલા ચૌધરી સ્કૂલમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતો હતો. મૂળ સુરેન્દ્રનગરનો આ પરિવાર છેલ્લા દોઢેક વર્ષથી શ્રીરંગ નેનોસિટી 1 સરગાસણ ખાતે રહેતો હતો.ઈન્ફોસિટી પોલીસ અને એફએસએલની ટીમ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આશાબેનની ગળે ટૂંપો દઈ આશાબેનની હત્યા કરવામાં આવી હતી.