ગુજરાતમાં વ્યાજખોરીનું દૂષણ નિરંતર વધી રહ્યું છે. જરુરિયાતમંદ ગરીબ લોકોને વ્યાજખોરો ઉંચા વ્યાજે નાણા આપે છે. ત્યારબાદ વ્યાજખોરો નાણાં લેનારા વ્યક્તિનું જીવન દુષ્કર કરી નાખતા હોય છે. જેના લીધે ઘણીવાર ભોગ બનનાર આપઘાતનો પ્રયાસ કરતા હોય છે. પઠાણી ઉઘરાણી કરતા ઈસમો ઉંચુ વ્યાજ લીધા પછી લોકોને મરવા માટે મજબૂર કરતા હોય છે. તો ખેડાના નડિયાદમાંથી વ્યાજખોર મહિલાનો આતંક સામે આવ્યો હતો. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં મહિલા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતી જોવા મળી રહી હતી.


વ્યાજખોર મહિલાની દાદાગીરી

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં વ્યાજની રકમ વસૂલવા માટે એક મહિલા આવી હતી. મહિલાએ આવીને જવેલર્સ પાસેથી વ્યાજની રકમ માંગી હતી. જે બાદ જ્વેલર્સની દુકાનમાં આવીને કાચના ટેબલ પર બોટલ પછાડી હતી. ત્યાં હાજર લોકો પર રોફ જમાવીને ડરનો માહોલ પેદા કર્યો હતો. જે બાદ વ્યાજના રુપિયા વસૂલવા માટે દુકાનના સોફા પર બેસીને હાજર લોકોને અપશબ્દો કહ્યા હતા. તો તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

ઘટનાના CCTV સામે આવ્યા

મહિલાએ જ્વેલર્સમાં હાજર લોકોને ગંદી ગાળો ભાંડી હતી. પૈસા ઉઘરાવવા માટે ધમકી પણ આપી હતી. જે દાદાગીરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. મહિલાની દાદાગીરીથી દુકાનમાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. સુરતમાં હાલમાં જ એક 22 વર્ષીય યુવકે વ્યાજખોરના ત્રાસથી અંતિમ પગલુ ભરીને મોતને વહાલું કર્યુ હતું, 80 હજાર સામે 2 લાખની પઠાણી ઉઘરાણી કરતા યુવકે આત્મહત્યા કરી લીધી હતી.

  • Follow us on: