સુરત જિલ્લા શિક્ષણ વિભાગની દાદાગીરી સામે આવી છે, જેમાં RTEમાં એડમિશન ઘરથી 9 કિમી દૂર શાળામાં આપ્યું છે જેમાં વાલીએ ફરિયાદ કરતા DEOએ ઉદ્ધતાઈભર્યુ વતન કર્યુ હોવાની વાત સામે આવી છે, વાલીને કહ્યું શાળામાં એડમિશન કેન્સલ કરી દો અને બીજી તરફ બાળકને જે શાળામાં પ્રવેશ મળ્યો તે ધોરણ 5 સુધી જ ચાલે છે.
સુરત જિલ્લા શિક્ષણ વિભાગની દાદાગીરી સામે આવી
આરટીઈ હેઠળ ધોરણ 1 માં મફત શિક્ષણ મેળવવું તે રાજ્યના દરેક બાળકનો અધિકાર છે, પણ સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જાણે બાળકનો અધિકાર નહીં પણ ઉપકાર માનતું હોય તેવી ઘટના સામે આવી છે. આરટીઈ હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ મદદ મેળવવા કચેરી ગયેલા વાલીને ડીઈઓએ એડમિશન લેવું હોય તો લો નહીં તો કેન્સલ કરાવી દો તેવો ઉદ્ધતાઈભર્યો જવાબ મળ્યો હોવાનો આક્ષેપ વાળી દ્વારા કરાયો છે.
બાળકની શાળા ઘરથી 9 કિમી દૂર છે
વાત જાણે એમ છે કે બેગમપુરામાં રહેતા એક વાલીએ આરટીઈમાં ફોમ ભરતી વખતે 6 જેટલી શાળાની પસંદગી કરી હતી. શાળા પસંદ કરતી વખતે શાળાનું લોકેશન 1.25 કિમી બતાવતું હતું. જોકે બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યા બાદ કન્ફર્મ કરાવવા ગયેલા વાલીને શાળાના લોકેશનની વાસ્તવિકતા અંગે ખબર પડી હતી. શાળા વાલીના ઘરથી 9.2 કિમી દૂર પાંડેસરા વિસ્તારમાં હતી. જેને કારણે પ્રવેશ અન્ય નજીકની શાળામાં ફાળવવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ રજૂઆત કરવા ગયા હતા. જ્યાં અધિકારીઓએ મદદ કરવાને બદલે વાલીને એડમિશન કેન્સલ કરાવી દેવા સૂચના આપી હતી.
આંખ આડા કાન કરતા પ્રાથમિક નિયામક
આરટીઈમાં ઉપરાછાપરી થયેલા છબરડા અંગે પ્રાથમિક નિયામકનો સંપર્ક સાધી વિગતો માંગવામાં આવી હતી. જ્યાં તેમણે સરકારી જવાબ આપતા રિપોર્ટ મંગાવીશું કહી સમગ્ર ઘટના અંગે આંખ આડા કાન કર્યા હતા એ વાતને બે દિવસ થયા હોવા છતા કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી. તેમજ મિટિંગમાં હોવાનો ડોળ કરી ફોન પર વાતચીત કરવાને બદલે મેસેજ થકી વાત કરવા આગ્રહ કર્યો હતો.