સુરતમાં ઘણા સમયથી લુખ્ખા તત્ત્વોનો આતંક સામે આવી રહ્યો છે. જેના લીધે સુરત શહેરનો કાયદો વ્યવસ્થા દિનપ્રતિદિન કથળી ગઈ છે. અસામાજિક તત્ત્વો સામાન્ય જનતામાં ભયનો માહોલ સર્જે છે. સુરતના ઓલપાડમાં આવેલા કુડસદ ગામે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો.કુડસદ ગામમાં હોટલમાં જમવા બાબતે અસામાજિક તત્વોએ મારામારી અને તોડફોડ કરી હોવાનું સામે આવ્યું હતું.
હોટેલ માલિક સાથે મારામારી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓલપાડના કુડસદ ગામમાં કેટલાક લુખ્ખા તત્ત્વો હોટલમાં જમવા ગયા હતા. જ્યાં જમતી વખતે રોટલી કાચી રહી ગઈ હોવાનું કહ્યું હતું.તો આરોપીઓએ હોટેલ સંચાલક સાથે માથાકૂટ કરી હતી. આટલે ન રોકાતા આરોપીઓએ હોટેલ સંચાલક સાથે માર માર્યો હતો.ઉપરાંત લાકડી લાવીને હોટેલના કાઉન્ટર અને સામાનની તોડફોડ કરી હતી. હોટેલ સંચાલકે સમગ્ર બાબતે કિમ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે પોતાની કાર્યવાહી શરુ કરી હતી.
સુરતમાં લુખ્ખા તત્ત્વોનો આતંક
અગાઉ પણ સુરતમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યાની ઘટનાઓ સામે આવેલી છે. સુરતમાં 10 જેટલા લુખ્ખા તત્ત્વોએ એક મહિલા પર લોખંડના સળિયા વડે હુમલો કરી દીધો હતો. તો સુરતના લીંબાયત વિસ્તારમાં ઘર બહાર બેસવાની ના પાડતા 4 લુખ્ખાઓએ સ્થાનિકો પર હુમલો કરી દીધો હોવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. જે દર્શાવે છે કે, તેમને કાયદાનો ડર નથી.