ગુજરાતમાં સબ સલામતના દાવા વચ્ચે મહિલાઓની સુરક્ષાના પણ મોટા દાવા કરવામાં આવે છે. સુરત શહેરમાં મહિલાઓ જ અસુરક્ષિત હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 8થી 10 લુખ્ખાઓએ મહિલા પર સળિયાથી હુમલો કરવાની ઘટના સામે આવી છે. શહેરના ભટાર વિસ્તારમાં સોમનાથ સોસાયટીમાં મહિલા પર હુમલો કરાયાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. હુમલામાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં
સુરતના ભટાર વિસ્તારમાં 8થી 10 લુખ્ખાઓએ મહિલા પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. પોલીસ અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવીને તેમની સામે કાર્યવાહી કરી રહી છે. તે છતાંય પોલીસનો કોઈ ડર જ ના હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગુનેગારો વધુ બેફામ બની રહ્યાં છે અને પોલીસ કડક કાર્યવાહીની વાતોમાં મસ્ત બની છે. ભટાર વિસ્તારની સોમનાથ સોસાયટીમાં વિરામ અને સુખ ભરવાડે તેમના સાગરિતો સાથે એક મહિલા પર જાહેરમાં હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે.
એક મહિલાને લોખંડના સળિયાથી માર માર્યો
લુખ્ખાઓએ જાહેરમાં એક મહિલાને લોખંડના સળિયાથી માર માર્યો હોવાથી સુશિલા દેવી નામની મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. ખાટોદરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં મહિલા પર જાહેરમાં હુમલો થતાં મહિલાઓની સુરક્ષા મુદ્દે સવાલો ઉભા થયાં છે. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સુરતમા પોલીસ હવે આવા લુખ્ખા તત્વો સામે એક્શનમાં આવશે કે પછી મહિલાઓ અસુરક્ષિત રહેશે તે આગામી સમય બતાવશે.