સુરતમાં બસ પાર્કિગના ઓપન પ્લોટમાં દારૂનો અડ્ડો સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપી પાડયો છે જેમાં સ્થાનિક સિંગણપોર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે,SMCએ ડભોલીમાં દરોડા પાડી દારૂનો અડ્ડો ઝડપી પાડયો છે સાથે સાથે દારૂની 1772 બોટલ અને રીક્ષા સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,આ સમગ્ર કેસમાં SMCએ 7 આરોપીઓની ધરપકડ કરી છે અને 5 આરોપીઓ ફરાર થયા છે.
ડભોલીમાં લાંબા સમયથી દારૂનો અડ્ડો ધમધમતો
સિંગણપોર પોલીસની હદમાં લાંબા સમયથી ડભોલીમાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે તેવી માહિતી એસએમસી પાસે હતી ત્યારે એસએમસીએ સ્થળ પર જઈ રેડ કરી હતી જયાંથી બિયરની અને દારૂની બોટલો મળી આવી હતી.આ અડ્ડો કોઈ ખાનગી જગ્યાએ નહી પરંતુ બસ સ્ટેન્ડના પાર્કિગમાં ચાલતો હોવાની વાત સામે આવી છે,અગાઉ પણ આજ દારૂની અડ્ડાને લઈ સ્થાનિક પોલીસને રજૂઆત કરી હતી પરંતુ સ્થાનિક પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી કરતું ન હતું.
સિંગણપોર પોલીસ ઊંઘતી ઝડપાઈ
એસએમસીએ આ દરોડા પાડયા ત્યારે સિંગણપોર પોલીસ ઊંઘતી હતી અને તેમને કંઈ ખબર પણ ન હતી પરંતુ એસએમસી દ્વારા જયારે આરોપીઓને પોલીસને સોંપવામાં આવ્યા ત્યારે સિંગણપોર પોલીસને ખબર પડી કે તેમના વિસ્તારમાં તો દારૂનો અડ્ડો ચાલે છે,આમ તો પોલીસ 24 કલાક પેટ્રોલિંગના દાવા કરતી હોય છે ત્યારે શું સ્થાનિક પોલીસને આ બાબતે ખબર નહી હોય અને ખબર હશે તો પછી હપ્તા લઈને આ દારૂનું સ્ટેન્ડ ચલાવાતું હશે કે શું તેને લઈ સવાલો ઉભા થયા છે.
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે છેલ્લા 15 દિવસમાં 24 થી વધું દરોડા પાડયા છે
જેમાં રાજકોટ શહેર, ગ્રામ્ય વિસ્તાર તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, મહીસાગર સહિતના રાજ્યભરના વિસ્તારોમાં ઘોંસ બોલાવી કરોડો રૂપીયાનો દારૂ-બિયર પકડી પાડ્યો છે. સાથે સાથે ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરી, હથિયાર, ગેરકાયદેસર ખનન સહિતના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કરી કાર્યવાહી કરી છે. જ્યારે સ્થાનિક પોલીસની સામે જ ધમધમતા દારૂના પીઠા, વિદેશી દારૂના બાર, બેરોકટોક ખનન, જુગારના અડ્ડા સામે કેમ કાર્યવાહી કરતી નથી અને સ્ટેટ વિજિલન્સની ટીમને કાર્યવાહી કરવી પડી રહી છે.