જામ ખંભાળિયાના રામનગર થી જુવાનગઢ તરફ જતા આશરે 2 કિ.મી. જેટલા માર્ગનું કામ છેલ્લા એકાદ વર્ષથી અધૂરુ ભારતીય કીસાન સંઘ અને સ્થાનિકો દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પાઠવી લેખિત રજૂઆત કરાઇ છે.


1.90 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી

જામ ખંભાળિયા તાલુકાના રામનગર વિસ્તારના રહીશોએ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ અહીંના જિલ્લા કલેકટરને પાઠવવામાં આવેલા લેખિત આવેદનપત્રમાં જણાવાયું હતું કે રામનગર ગામમાં આવેલા રામ મંદિરથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તરફથી જુવાનગઢ ગામ તરફ જતા વર્ષો જૂના ખખડી ગયેલા આશરે બે કિલોમીટર જેટલા રસ્તાને નવેસરથી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જૂન 2024 માસના સમયગાળા દરમિયાન રૂપિયા 1.90 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી.

વ્યવસ્થિત રીતે ચાલીને જવું પણ ખૂબ જ કઠિન બન્યું

કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કારણોસર આ માર્ગમાં માત્ર કપચી, પથ્થર પાથરીને કામ અધૂરું મૂકી દેવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.કપચી પાથરેલા માર્ગ પર વાહનો કે ગાડા ચલાવવા તો ઠીક પણ વ્યવસ્થિત રીતે ચાલીને જવું પણ ખૂબ જ કઠિન બન્યું છે.અહીંથી શાકભાજી લઈને પસાર થતાં ખેડૂતો, શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ અવર-જવર કરતા ગ્રામજનો -ધરતીપુત્રને પણ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે.આ ગંભીર મુદ્દે અવારનવાર રજૂઆતો થતા પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

વાહનોમાં વ્યાપક નુકસાનીના પણ કિસ્સાઓ સામે આવ્યા

આ ખરાબ રોડ રસ્તા ને કારણે અવારનવાર વાહન ચાલકોના પડવા-આખડવાના બનાવ તેમજ વાહનોમાં વ્યાપક નુકસાનીના પણ કિસ્સાઓ સામે આવ્યા છે.આગામી નજીકના સમયમાં ચોમાસુ શરૂ થનાર છે.ત્યારે સરકારી અધિકારીઓ દ્વારા આ મહત્વની બાબતે તાકીદે લક્ષ્ય લઈને આ બિસ્માર રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માંગ કરવામાં આવી છે.નિયત સમયગાળા દરમિયાન અહીં કામ શરૂ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા રોડ ઉપર પાથરવામાં આવેલી કાંકરી કપચી પોતાના હાથે દૂર કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

  • Follow us on: