જામનગરની જી.જી. હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સફાઈ કામદારે સુપરવાઈઝરને માર મારતો હોસ્પિટલ ફરી વિવાદનું કેન્દ્ર બની છે. હોસ્પિટલમાં મહિલા સફાઈ કામદારનો મામલો પોલીસ મથકે પંહોચ્યો છે. આખરે કેમ 3 મહિલા સફાઈ કામદારોએ સુપરવાઈઝરને માર માર્યો તેને લઈને સવાલો થઈ રહ્યા છે. સમગ્ર મામલે પોલીસે મહિલા કામદારોને અને સુપરવાઈઝર સહિત હોસ્પિટલના અન્ય સ્ટાફના નિવેદનો લઈ રહી છે. 400 સફાઈ કામદારોએ સમગ્ર મામલે રોષ વ્યક્ત કરતાં હોસ્પિટલ બહાર વિરોધ કરી રહ્યા હતા.


હાલમાં જ જી.જી. હોસ્પિટલના એક કર્મચારીના ત્રાસથી મહિલાકર્મીએ આપઘાતના પ્રયાસ કરતા વિવાદ સામે આવ્યો હતો. ત્યારે હવે ફરી ચાર દિવસની અંદર જ 3 સફાઈ કામદાર મહિલાઓએ સુપરવાઈઝરને બરાબરાનો માર માર્યો હતો. આ મામલો હાલમાં પોલીસમાં પંહોચ્યો છે. હોસ્પિટલની સામે 400 સફાઈ કામદારો મહિલાઓ ન્યાયની માગ સાથે ઉગ્ર વિરોધ કરી રહી છે. દેખાવ કરતી મહિલાઓમાંથી એક મહિલાએ સમગ્ર મામલે વાત કરતાં જણાવ્યું કે બે દિવસ પહેલા એક સફાઈ કામદાર બહેને દવા પીધી હતી જ્યારે આજે વધુ એક બહેને દવા પીધી. આ બહેનો અંદરો-અંદરના ઝગડામાં અન્ય સફાઈ કામદારોના ભવિષ્યને જોખમમાં મૂકી રહી છે. આજે 3 બહેનોએ સુપરવાઈઝરને માર્યો ત્યારે તેમની જોહુકમીનો અન્ય કોઈપણ ભોગ બની  શકે છે તેવી ફરિયાદ કરી હતી.  સમગ્ર મામલે હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. જે પણ દોષિત હશે તેની સામે હોસ્પિટલ સંચાલકો પગલા લેશે. અગાઉ પણ અનેક વખત જામનગરની જી.જી. હોસ્પિટલ વિવાદોમાં સપડાઈ છે.  

એવું કહી શકાય કે છેલ્લા કેટલાક સમયમાં જી.જી. હોસ્પિટલ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. થોડા સમય પહેલા હોસ્પિટલમાં ઓર્થિપેડીક વિભાગના ઓપરેશન થિયેટરમાં મહત્વનું મશીન ગણાતું એવું આઈઆઈટીવી લાંબા સમય સુથી બંધ હાલતમાં હતું. સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓ આર્થિક રીતે પછાત હોવાના કારણે ત્યાં સારવાર લેવા આવતા હોય છે. અને તેવામાં હોસ્પિટલમાં દર્દીઓ માટે જરૂરી એવા મશીનો બંધ રહેતા તેમને મજબૂરીમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક વિવાદમાં હોસ્પિટલના એનેસ્થિસિયા વિભાગના ડીનને લઈને હતો. જેમાં ડીન સામે જાતીય સતામણીની ફરિયાદ કરાઈ હતી. સૌરાષ્ટમાં ગરીબ દર્દીઓને સારી સારવાર આપનાર જી.જી. હોસ્પિટલ સમયાંતરે વિવાદમાં રહે છે.

  • Follow us on: