જામનગરમાં તાજેતરમાં ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનના આંતકીઓને અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારે દેશની સેનાને હિંમત આપવા અને તેમનો જુસ્સો વધારવા માટે જામનગર કોંગ્રેસ દ્વારા જય હિન્દ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ઓપરેશન સિંદૂર મારફતે ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનમાં અનેક આતંકી ઠેકાણાઓને તોડી પાડ્યા હતા.


'વંદે માતરમ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવ્યા

ભારતીય સેનાના આ પરાક્રમને બિરદાવવા માટે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા એક જય હિંદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ, કોર્પોરેશનના વિપક્ષ નેતા, વિપક્ષ નગરસેવક, અને કાર્યકર્તાઓ આ યાત્રામાં જોડાયા હતા. આ જય હિંદ યાત્રા શહેરના ટાઉન હોલ પાસે આવેલા કોંગ્રેસ કાર્યાલયથી શરુ થઈ લીમડાલાઈન વિસ્તાર, લાલબંગલા સહિતના માર્ગો પર ફરી પરત થઈ હતી. આ યાત્રા દરમિયાન શહેરના લાલ બંગલા સર્કલ પાસે આવેલ જામનગરના રાજવી અને ભારત દેશના સૈનિકના વડા રાજેન્દ્રસિંહ જાડેજાની પ્રતિમાને ફુલહાર વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા અને ઓપરેશન સિંદુર એ દેશ અને સેનાની સિદ્ધિ ગણાવી હતી.

અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાનો કરાવ્યો પ્રારંભ

બીજી તરફ દેશભરમાં આજથી ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી તિરંગા યાત્રાનો પ્રારંભ ગુજરાતમાં પણ થઈ ચૂક્યો છે અને અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ રાષ્ટ્રહિત અને દેશની એકતાની યાત્રા છે. આપણી સેનાનું મનોબળ વધારતી યાત્રા છે. સેનાના જવાનો માતૃભૂમિની રક્ષા કરવા માટે 24 કલાક ખડેપગ ઉભા છે. ભારતે આતંકવાદનો બદલો લીધો છે અને પાકિસ્તાન યોગ્ય જવાબ આપ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી 13થી 23 મે દરમિયાન દેશભરમાં 'તિરંગા યાત્રા' કાઢવા જઈ રહી છે.

  • Follow us on: