જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. જાંબુડાથી લઈને જોડિયા સુધી 10થી વધુ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. RND વિભાગના અધિકારી સાથે વાત કરતા ગોળ ગોળ જવાબો સામે આવ્યા હતા. હાલ તો તમામ બ્રિજને 30 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં કોઈ પણ પ્રકારનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી.


દરરોજ 20 હજારથી વધુ લોકો અવર-જ્વર કરે છે

જામનગરથી જોડીયા જવાના રસ્તે તમામ પુલો જર્જરિત હાલતમાં છે. જેમાં પુલની નીચેની બાજુ ગાબડા પાડયા છે અને સળિયા પણ દેખાય છે. તેમ છતાં તંત્ર દ્વારા અહીં એક વાર પણ સમારકામ કરવામાં આવ્યું નથી. અહિયાંથી દરરોજ 20 હજારથી વધુ લોકો અવર-જ્વર કરે છે. આ પુલની ચોમાસામાં હાલત દયનીય હોય છે. મોટા વાહનો જ્યારે પુલ પરથી પસાર થાય ત્યારે લોકોને એમ થાય કે પુલ હમણાં જ તૂટી જશે. ચોમાસા દરમિયાન પુલ નીચેથી જ્યારે પાણી પસાર થતું હોય ત્યારે લોકોને આ પુલ ઉપરથી અવર-જ્વર બંધ કરવામાં આવે છે અને આ પુલની લોખંડની ગ્રીલ પણ જર્જરિત હાલતમાં છે.

પુલના રિનોવેશન બાબતે મંજૂરીને લઈ કામ અટકી પડ્યું

જામનગરથી કચ્છ જવા માટે જાંબુડા થઈને જોડિયાથી કંડલાને જોડતો સ્ટેટ્ હાઈવે આવેલો છે. આ રોડ હાલ માત્ર 6 મીટર પહોળો છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભારે વાહનો અને ગ્રામજનો પસાર થાય છે. ધ્રોલ પાસે સોયલ ટોલનાકુ હોવાથી ભારે વાહન જોડિયા-જાંબુડાના સ્ટેટ હાઈવેથી પસાર થાય છે. એક તો રોડ નાનો, ઉપરથી ભારે વાહનની અવરજ્વરને કારણે અવાર નવાર અહીં અકસ્માત સર્જાય છે. બીજી બાજુ આ રોડ પર આવેલા નાના-મોટા તમામ પૂલ હાલ જર્જરિત હાલતમાં છે. જામનગર જિલ્લાના RND વિભાગના અધિકારી સાથે આ મામલે પ્રશ્નો કર્યા હતા. જેના જવાબમાં ખુદ અધિકારીએ સ્વીકાર્યું કે આ રોડ પર અનેક નાના-મોટા પૂલ જર્જરિત છે. બીજું રોડ અને પૂલના કામ માટે વન વિભાગની મંજૂરી લેવી પડે છે. હાલ મંજૂરી મળી ગઈ છે બસ હવે સરકારમાંથી મંજૂરી લેવાની બાકી છે. જો મંજૂરી મળી જશે તો બે વર્ષમાં કામ શરુ થઈ જશે.

મોટો અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. અકસ્માત પાછળ ઊંડાણ પૂર્વક તપાસ કરીએ તો ક્યાંકને ક્યાંક જર્જરિત પૂલ અથવા જર્જરિત રસ્તો પણ એટલો જ જવાબદાર હોય છે. અધિકારીઓ માત્ર નામ પૂરતી કામગીરી કરે છે અને મંજૂરી નથી મળી અથવા ટેન્ડર કર્યા છે એવી વાતો કરે છે. પરંતુ હકીકતમાં અહીંથી પસાર થતા લોકો માથે કાળ ફરી રહ્યો હોય તેમ ગમે તે ઘડીએ મોટો અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ રહેલી છે.


  • Follow us on: