જુનાગઢમાં મહાશિવરાત્રી મેળામાં ત્રીજા દિવસે સાંસ્કૃતિક મંચ ભવનાથ તળેટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે. જેમાં સપ્તક સંગીત વિદ્યાલયના કલાકારો લોકગીત, દેશભક્તિ ગીતોની અને અઘોરી મ્યુઝિકના કલાકારોએ ફોક મ્યુઝિકની પ્રસ્તુતિ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.
અઘોરી મ્યુઝિક બેન્ડે ભવનાથમાં પર્ફોર્મ કરી યુવાનોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધાને દીવાના કરી દીધા
ભવનાથમાં દેશી 'અઘોરી મ્યુઝિક' રેપનો તડકો હિપ હોપ, રેપ અને ટ્રેડિશનલ ફોક મ્યુઝિકને જોડીને પોતાનું અલગ મ્યુઝિક બનાવનાર 'અઘોરી મ્યુઝિક' બેન્ડ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રખ્યાત થતું જાય છે. ત્યારે ગઈકાલે આ બેન્ડે ભવનાથમાં પર્ફોર્મ કરી યુવાનોથી લઈ મોટી ઉંમરના લોકો સુધી બધાને દીવાના કરી દીધા હતા. સાથે જ લોકોએ મોડી રાત સુધી ગરબાની રમઝટ પણ બોલાવી હતી. ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિ એવી અઘોરી મ્યુઝિકને બચાવવા માટે યુવાનો આગળ આવ્યા છે અને આજના યુવાનો જ્યારે પંજાબી ગીતો પાછળ પડ્યા છે, ત્યારે ફોક મ્યુઝિક ખૂબ જ પ્રચલિત થયું છે, સાંસ્કૃતિક વારસો ભુલાય નહીં તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.
મહાશિવરાત્રિ મેળામાં મોટી સંખ્યામાં ઉમટશે ભક્તો
મહત્વનું છે કે જૂનાગઢ ખાતે શનિવારથી પાંચ દિવસ માટે શિવરાત્રિના મેળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ મહાશિવરાત્રિ મેળાની મુલાકાત લેવા અત્યારે ભવનાથ તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે શ્રદ્ધાળુઓને વિશેષ સુવિધાને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મહાશિવરાત્રીનો મેળાના ત્રીજા દિવસે ભવનાથ તળેટીમાં આવેલ ભારતીય આશ્રમ ખાતે આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા આશ્રમમાં ભાવિ ભક્તોને વધુ સુવિધા મળે તેને લઈ 50 બ્લોકનું રૂપિયા 4: 50 કરોડના ખર્ચે અતિથિ ભવન બનાવવામાં આવનાર હોય જેનું આજે સાધુ સંતોના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સુવિધા ઉપરાંત મહાશિવરાત્રીના પર્વને લઈને એસટી નિગમ દ્વારા વિશેષ સુવિધા પૂરી પાડતા મોટી સંખ્યામાં એકસ્ટ્રા બસ જૂનાગઢ દોડાવવામાં આવશે. વિવિધ શહેરોમાંથી 250 રેગ્યુલર બસ ઉપરાંત 370 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે.
શિવરાત્રી મેળાને લઈને ચુસ્ત બંદોબસ્ત
મહાશિવરાત્રી મેળાને લઈને જુનાગઢ શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.યાત્રાળુઓની સુરક્ષા માટે ચાર જિલ્લામાંથી 2500થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે NDRF અને SDRFની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા મેળાના રૂટ પરના તમામ રસ્તાઓનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ આ વર્ષે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે.