• પોલીસ દ્વારા મહિલા અને નવજાત બાળકનું કરાયું રેસ્ક્યુ

  • બાળક અને માતાને સલામત સ્થળે ખસેડાયા
  • સમગ્ર વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા

સમગ્ર સૌરાષ્ટ્ર અને જૂનાગઢમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ ધમાકેદાર બેટીંગ કરી રહ્યો છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અને રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે. અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે અને તેના કારણે ઘણા લોકો મુશ્કેલીમાં પણ મુકાયા છે.

પોલીસ દ્વારા મહિલા અને નવજાત બાળકનું રેસ્ક્યુ કરાયુ

ત્યારે જૂનાગઢના માણાવદરમાં પણ ધોધમાર વરસાદને પગલે એક મહિલા અને નવજાત બાળક પાણીમાં ફસાયા હતા, ત્યારે માણાવદર પોલીસ દ્વારા તેમનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વરસાદને સમગ્ર વિસ્તારમાં તબાહી મચાવી છે અને જનજીવન ખુબ જ પ્રભાવિત થયુ છે. ત્યારે જૂનાગઢના કેશોદમાં આવેલા શેરગઢમાં છેલ્લા એક કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકયો છે. સ્મશાન અને ખેતરોની દિવાલો પણ તૂટી ગઈ છે એટલો ભારે વરસાદ વરસ્યો છે, ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ સવલત પૂરી પાડવામાં આવતી નથી અને ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બન્યું છે.

પોરબંદરનું બોખીરા જળમગ્ન

સૌરાષ્ટ્રમાં દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પોરબંદરના બોખીરા જળમગ્ન થઈ ગયું હતુ તો દ્વારકાના પણ રોડ રસ્તા પાણીમાં સમાયેલા જોવા મળ્યા હતા. જુનાગઢમાં ભારે વરસાદને પગલે દામોદર કુંડ છલકાઈ ગયો હતો તો પ્રભાસ પાટણનો ત્રિવેણી સંગમ પણ છલકાઈ ગયો છે.

ઓઝત શાહપુર ડેમના 10 દરવાજા ખોલાયા

જૂનાગઢ જિલ્લાના 12 ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ છે. ઓઝત-2 ડેમના 4 દરવાજા ખોલાયા છે,ઓઝત વંથલી ડેમના 12 દરવાજા ખોલાયા છે. ઓઝત શાહપુર ડેમના 10 દરવાજા ખોલાયા છે. સાવલી ડેમ 9 દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા છે. હાલ ડેમમાં 10,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે આજે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ સહિતના શહેરોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. 

  • Follow us on: