- મટીયાણામાં પ્લોટ વિસ્તારમાં ભરાયા પાણી
- 50 જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતા હાલાકી
- ઓજત નદીનું પાણી ગામમાં ફરી વળ્યું
જુનાગઢમાં ધોધમાર વરસાદના કારણે અનેક ગામડા પાણીમાં તરબોળ થયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે જુનાગઢના મટીયાણામાં પ્લોટ વિસ્તારમાં ગોઠણ સુધી વરસાદી પાણી ભરાયા છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
50 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા સ્થાનિકોને મોટી મુશ્કેલી
મટીયાણામાં 50 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા સ્થાનિકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે, તમને જણાવી દઈએ કે ઉપરવાસમાં પાણીની આવક થતાં અલગ અલગ નદીઓમાં તે પાણી છોડવામાં આવ્યુ હતું, જેના કારણે ઓજત નદીનું પાણી ગામમાં ફરી વળ્યુ અને રસ્તાઓ જાણે કે નદીમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવુ લાગી રહ્યું છે. જો કે વરસાદે હવે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે.
વંથલી તાલુકાનું શાપુર ગામ સંપર્કવિહોણું બન્યું
ત્યારે જૂનાગઢના શાપુર ગામમાં વરસાદના કારણે રસ્તો જ બંધ થઈ ગયો છે અને વંથલી તાલુકાનું શાપુર ગામ સંપર્કવિહોણું બન્યું છે. કાળવા નદીનું પાણી રસ્તાઓ પર ચારે બાજુ ફરી વળતા ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ગ્રામજનો સંપર્કવિહોણા બન્યા છે અને પોતાના જીવના જોખમે ગ્રામજનો રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે.
નદીઓ પણ વરસાદી પાણીથી ભરાઈને છલોછલ વહેતી જોવા મળી
જૂનાગઢ જિલ્લાની ઓઝત સહિતની મોટી નદીઓ અને તાલુકાની સ્થાનિક નદીની સાથે નાના-મોટા તમામ જળાશયો વરસાદી પાણીથી ઓવરફ્લો થતાં જોવા મળી રહ્યા છે. આણંદપુર સાપુર અને વંથલી વિયર ડેમ, બાંટવાનો ખારો, માળિયા નજીક આવેલ ભાખરવડ ડેમ અને મધુવંતી ડેમ સહિત તમામ નાના-મોટા જળાશયો અને સરોવરોની સાથે નદીઓ પણ વરસાદી પાણીથી ભરાઈને છલોછલ વહેતી જોવા મળે છે.
ભારે વરસાદને લઈ રાજ્યના 41 રસ્તાઓ બંધ
ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી રાજ્યના 41 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. સૌથી વધુ પોરબંદરના 17 રસ્તા બંધ કરવા પડયા છે. તો જૂનાગઢના 12 રસ્તા બંધ કરવા પડ્યા છે. 6 સ્ટેટ હાઈવે, 25 પંચાયત હસ્તક રસ્તા અને અન્ય 10 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. ભારે વરસાદથી એસટી બસ સેવા પણ પ્રભાવિત થઈ છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાવવાને કારણે અનેક રૂટ પર એસટી બસ સેવા બંધ કરવાની ફરજ પડી છે.