ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને પકડવામાં લાંચ રૂશ્વત બ્યુરો સક્રિય છે. છાશવારે લાંચ લેતા અધિકારીઓ પકડાતા હોવાનું સામે આવે છે. ત્યારે કડીમાં નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટરને 10 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથે ઝડપી લીધા હતાં. ફરિયાદીએ રૂપિયા આપવાની તૈયારી બતાવતા બંને આરોપીઓ લાંચ માટે તૈયાર થઈ ગયા હતાં.પરંતુ ફરિયાદીને લાંચ નહીં આપવી હોવાથી લાંચ રૂશ્વત બ્યુરોનો સંપર્ક કર્યો હતો.
જમીનની નોંધ માટે લાંચની માગ કરી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણા જિલ્લામાંની મામલતદાર કચેરીઓમાં જમીનની નોંધો પડાવવા, નોંધની નકલો મેળવવા,નવી-જુની શરતોમાં ફેરફાર કરવા માટે આવતા અરજદારો પાસેથી પાંચ હજારથી લઈને 25 હજાર સુધીની ગેરકાયદેસર લાંચ માંગતા હોવાની હકીકતને આધારે આજે એસબીએ કડી મામલતદાર કચેરીમાં છટકુ ગોઠવ્યું હતું. ગાંધીનગર એસીબીના અધિકારીઓ કડી મામલતદાર કચેરીમાં છટકામાં ગોઠવાયા હતાં.
બંને આરોપીઓ 10 હજારની લાંચ લેતા પકડાયા
જમીનની કાચી નોંધ પરથી પાકી નોંધ કરવા માટે નાયબ મામલતદાર વિપુલકુમાર મનુભાઇ પ્રજાપતિએ ફરિયાદી પાસે 20 હજારની લાંચ માગી હતી. જે પૈકી 10 હજાર રૂપિયા આરોપીએ તેમના કોમ્પ્યુટર ઓપરેટરને આપવાનું કહેતા તેણે 10 હજારની લાંચ સ્વીકારતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગચો હતો. એસબીએ બંને આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.