ગુજરાતમાં વ્યાજખોરોની વ્યાજખોરી અનેક પરિવારોને વિખેરી રહી છે. પરંતુ એક કિસ્સો એવો સામે આવ્યો છે જેમાં માત્ર 30 હજારની ઉઘરાણીએ માતા અને દીકરીને મોત સુધી પહોંચવા મજબૂર કર્યાં છે. મહેસાણાના કડીમાં માત્ર 30 હજારની ઉઘરાણીથી કંટાળેલી માતાએ તેની આઠ વર્ષની દીકરી સાથે કેનાલમાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. માતાએ આપઘાત કરતાં પહેલા એક ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, 30 હજાર રૂપિયા આપતા નથી.આ ઘટનાની જાણ થતાં જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.


નર્મદા કેનાલમાંથી બે મૃતદેહો મળી આવ્યા હતાં

પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણા જિલ્લાના કડીના રંગપુરડા પાવર સ્ટેશન નર્મદા કેનાલમાંથી બે મૃતદેહો મળી આવ્યા હતાં. જેમાં આઠ વર્ષની ત્રીજા ધોરણમાં ભરતી દીકરી સાથે માતાએ આપઘાત કરી લીધો હોવાનું જણાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. નર્મદા કેનાલમાંથી માતા પ્રીતિકાબેન અને પુત્રી પિનલનો મૃતદેહ મળ્યો હતો. કેનાલ પાસેથી ચિઠ્ઠી, મોબાઈલ અને એક થેલી મળી આવી હતી.બંને સાણંદના મખીયાવ ગામની રહેવાસી હોવાનું માલૂમ પડ્યું હતું.

કડી પોલીસે ચિઠ્ઠી,મોબાઈલ અને થેલી કબજે કરી

કેનાલ પાસેથી મળેલી ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, કણજરી ગામના નટુભાઈ જોડે થી 30 હજાર રૂપિયા લેવાના છે. જે આપતા નથી જેથી મને રસિકની બીક લાગે છે, હું કેનાલમાં પડું છું તેઓ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.કડી પોલીસે ચિઠ્ઠી,મોબાઈલ અને થેલી કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.એફ એસ એલ સહિતની મદદ થી પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. માત્ર 30 હજારની ઉઘરાણી મુદ્દે આ ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે.


  • Follow us on: