ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા માટે એન્ટી કરપ્શન બ્યુરો સક્રિય થઈ ગયું છે. છાશવારે કોઈના કોઈ વિભાગના અધિકારી લાંચના કેસમાં પકડાઈ રહ્યાં છે. ત્યારે ખેડા જિલ્લા પંચાયતનો સિંચાઈ વિભાગનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. ચિટનીશ મિતુલ કાછિયા 4050 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે. કોન્ટ્રાક્ટરે ગટરનું કામ પૂર્ણ કરતાં તેનું બિલ પાસ કરાવવા માટે કાર્યપાલક ઈજનેરની સહી કરાવવાની લાંચ માગી હતી.


સિંચાઈ વિભાગનો કર્મચારી લાંચ કેસમાં ઝડપાયો

પ્રાપ્ત વિગત પ્રમાણે ખેડા જિલ્લા પંચાયતમાં સિંચાઈ વિભાગનો ચિટનીશ મિતુલ કાછિયા 4050 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયો હતો. કોન્ટ્રાક્ટરે અલીન્દ્રા ગામે બે લાખ ૭૦ હજારનું ગટરનુ કામ પૂર્ણ થતા બિલ પેટે દોઢ ટકાની માગણી કરી હતી. 15માં નાણાં પંચમાં ગટરનુ કામ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું. સિંચાઈ વિભાગના કાર્ય પાલક ઈજનેરની કાઉન્ટર સહી કરાવવાની હતી જે પેટે નાણાંની માગણી કરી હતી.

વિભાગીય હિસાબનીશની વધારાની જવાબદારી સંભાળતો

આરોપી મિતુલ કાછિયા સિંચાઈ વિભાગમાં ચિટનીશ ઉપરાંત વિભાગીય હિસાબનીશની વધારાની જવાબદારી સંભાળતો હતો. કોન્ટ્રાક્ટરે ગટરનું કામ પૂર્ણ કરતાં તેનું બિલ પાસ કરાવવા માટે મુક્યું હતું. આ બિલમાં કાર્યપાલક ઈજનેરની સહી કરાવવાની તેણે લાંચ માગી હતી. જેથી કોન્ટ્રાક્ટરે નડિયાદ એસીબીમાં ફરિયાદ કરતાં છટકુ ગોઠવવામાં આવ્યું હતું. લાંચ લેતા મિતુલ કાછિયા નડિયાદ એસીબીના ઇન્સ્પેક્ટર વિક્રાંત વસાવા અને ટીમના હાથે ઝડપાઈ જતા ગુનો દાખલ કરાયો છે.


  • Follow us on: