ખેડા જિલ્લાના કપડવંજ ટાઉન પોલીસ મથકે સિનિયર સીટીઝનને હની ટ્રેપમાં ફસાવી નાણાં પડાવવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવતી ગેંગના મુખ્ય સુત્રધાર સહિત અન્ય 8 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુવતીના નામે ફેક આઈડી બનાવી વાત શરૂ કરાતી અને રૂબરૂ મળવાનો પ્લાન ગોઠવાતો હતો. બાદમાં રૂબરૂ મળવાના મુલાકાત સ્થળે અન્ય ઈસમો યુવતીના સગા બની આવી જતા અને ફોટોગ્રાફ્સ પાડી બ્લેકમેઈલ કરવામાં આવતા અને રૂપિયા પડાવતા હતા. આ ગેંગને ગણતરીના કલાકોમાં પોલીસે પકડી લીધી છે.
મહિલાએ વૃદ્ધને વોટ્સએપ પર ચેટ મેસેજ કર્યા
કપડવંજ શહેરમાં એક વયોવૃદ્ધ સિનિયર સિટીઝન આવી રીતે હનીટ્રેપનો ભોગ બન્યા હતા. આ વૃદ્ધના ફેસબુક પર યુવતીના ફેક નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે વૃદ્ધ સ્વીકારી હતી. બાદમાં નંબર મેળવી મીઠી મીઠી વાતો વોટ્સએપ પર મહિલાએ કરી હતી. બાદમાં આ મહિલાએ વૃદ્ધને વોટ્સએપ પર ચેટ મેસેજ કરી તેમજ વોઈસ કોલ કરી એકાંત સ્થળે રૂબરૂ મુલાકાતે બોલાવ્યા હતા. જગ્યા નક્કી થતાં આ બંને લોકો મળ્યા હતા. જોકે આ સમયે મહિલાના અન્ય સાગરીતોએ મહિલાનો અને વૃદ્ધનો વીડિયો ઉતારી દીધો હતો અને મહિલાના સાગરીતો ત્યાં આવી મહિલાના સગા બતાવી વૃદ્ધને ડરાવી ધમકાવી વાતને દબાવવા માટે રૂપિયા 6 લાખની માગણી કરી હતી.
આ વૃદ્ધ પાસેથી બળજબરી પૂર્વક રૂપિયા 3 લાખ પડાવી લેવાયા હતા. બાકીના નાણાં રૂપિયા 3 લાખ બાકી હતા. જેથી સિનિયર સિટીઝને હિંમત દાખવી સમગ્ર મામલે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે જુદી જુદી ચાર ટીમો બનાવી કપડવંજ શહેર અને આસપાસના આશરે 40 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં આરોપીઓએ ગુનામાં વાપરેલી કારની માહિતી પોર્ટલ પરથી મેળવી હતી, તેમજ સોશિયલ મીડિયાના વિવિધ એકાઉન્ટ્સમાંથી માહિતી મેળવી આરોપીઓના મોબાઈલ નંબર ટ્રેસ કરી ટેકનિકલ સર્વિલન્સ તથા હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ગુનાનું પગેરું ગણતરીના કલાકોમાં મેળવી દીધું હતું. જેમાં બે યુવતીઓ સહિત મુખ્ય સૂત્રધાર મળી કુલ 9 લોકો આવી રીતે ગુનાને અંજામ આપતા હતા.
પોલીસે 15 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
ખેડા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ શહેર સહિતના વિસ્તારોમાં રહેતા સિનિયર સિટીઝનોને આ ટોળકી હનીટ્રેપની જેમ ટાર્ગેટ કરતી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ.1,87,000, બે કાર, એક દ્રિચક્રી વાહન, 13 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 15 લાખ 10 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની તપાસમાં ગુનાની મોડસ ઓપરેન્ડી જણાવતા આરોપીએ કબુલાત કરી છે કે સોશિયલ મીડિયાની વિવિધ એપ્લિકેશન્સમાં મહિલાના ફોટાવાળુ પ્રોફાઈલ સેટ કરી ફેક આઈડી બનાવી સિનિયર સિટીજનોને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી ફ્રેન્ડ્સ રિકવેસ્ટ મોકલી ચેટીંગમાં વાતચીતથી આકર્ષિત કરી ચેટીંગમાં સિનીયર સિટીઝન સાથે ગેંગમાં સામેલ મહિલા પાસે વોઇસ કોલ અને વીડિયો કોલ કરાવડાવી સિનીયર સિટીજન સાથે ગેંગની મહિલાને એકાંત સ્થળે વાતચીત તથા મિલન માટે રૂબરૂ મોકલવામાં આવતી હતી.
અગાઉ પણ અનેક લોકોને ભોગ બનાવ્યા
આ દરમ્યાન ગેંગના અન્ય સભ્યો આવી જઈ મહિલા સાથે શારીરીક સંબંધ બાંધેલો હોવાના આક્ષેપો કરી મહિલા અને સિનીયર સિટીજનનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરી સમાજમાં આબરૂ ઈજ્જત કાઢવાની તેમજ બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી અપહરણ કરી મોટી રકમ પડાવવાનું ષડયંત્ર આયોજનબદ્ધ રીતે ગોઠવવામાં આવતું. આજથી 20 દિવસ અગાઉ ચિલોડા ગાંધીનગર ખાતે આજ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી એક નાગરિક પાસેથી રૂપિયા 2 લાખની રકમ પડાવી લીધેલ હતી. ઉપરાંત આજથી 4 માસ અગાઉ પાટણ ખાતે આજ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી એક નાગરિક પાસેથી રૂપિયા 1 લાખ 20 હજારની રકમ પડાવી લીધેલ હતી. કપડવંજ ટાઉનના પી.આઈ જનકસિંહ દેવડાને આરોપીની માહિતી મળી હતી, જેથી તેઓ પોતાની ટીમ સાથે આરોપીને પકડવા ગયા હતા અને જે ગાડીમાં આરોપી હતા તે ગાડીને આંતરીને આરોપીને પકડવા જતા 9 પૈકી એક આરોપીએ ગાડીને મુકી ભાગતા કાચ તૂટી ગયો હતો, જેથી પીઆઈને ઈજા થઈ હતી તેમને સારવાર લેવી પડી હતી.