- ખેડામાં વડતાલ, કઠલાલ, મહેમદાબાદમાં મળ્યા સિરપ
- વડોદરાનો નીતિની કોટવાણી કેમિકલના વેપલામાં કુખ્યાત
- બિલોદરામાં મેડિકલની ટીમ લઇને તપાસ કરાવી
ખેડા સિરપકાંડમાં એક તરફ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ત્યાં બીજી તરફ તપાસમાં વિવિધ ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં કિશોર સોઢાને સિરપ સપ્લાય કરનાર યોગેશ સિંધિની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં યોગેશ સિંધીએ વડોદરાથી સિરપ ખરીદી હોવાની વિગતો સામે આવી છે. જેમાં વડોદરામાં વિવિધ લોકોની પૂછપરછ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
નડિયાદમાં સિરપ કાંડમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના જીવ ગુમાવ્યા છે. જેમાં વડોદરાથી જેમની પાસેથી સિરપ લીધો તેમની પૂછપરછ થશે તેવું તપાસ અધિકારીએ જણાવ્યું છે. આ માટે બિલોદરામાં મેડિકલની ટીમ લઇને તપાસ કરાવી છે. જ્યારે અમિતભાઇ સોઢાને અમદાવાદ સિવિલમાં ખસેડ્યા હતા. તેમજ ખેડામાં વડતાલ, કઠલાલ, મહેમદાબાદમાં સિરપ મળ્યા હોવાની વિગતો સામે આવી છે.
આ અંગે રાજેશ ગઢીયા, SP ખેડાએ જણાવ્યું કે, તપાસ દરમિયાન કિશોર સોઢા પાસેથી ગણી વિગતો સામે આવી રહી છે. જેમાં કિશોર સોઢાએ બાકી રહેલી બોટલ નદીમાં વહાવી દીધી હતી. જ્યારે બાકીની બોટલ દુકાનની બાજુમાં ફેંકી દીધી હતી. જેમાં બોટલમાં રહેલું સીરપ FSLમાં મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન FSLના રિપોર્ટ બાદ મિથેનોલનું પ્રમાણ ખ્યાલ આવશે. પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ માંગવાની પ્રોસેસ હાથ ધરશે.
કોના વિરુદ્ધ નોંધાયા ગુના
નોંધનીય છેકે, આ ગંભીર ઘટનામાં આખરે શુક્રવારે મોડી સાંજે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં પ્રથમ નંબર પર આરોપી તરીકે યોગેશ પારુમલ સિંધી, નારાયણ ઉર્ફે કિશોર સોઢા, ઈશ્વર સોઢા, નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી વિરુદ્ધ ગુનો નોંધાયા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ બેદરકારી દાખવવા અને લોકોનાં મોત નિપજાવવાની કલમો ઉમેરી છે. ઉલ્લેખનીય છે કે વડોદરાનો નીતિની કોટવાણી કેમિકલના વેપલામાં કુખ્યાત છે. અગાઉ નકલી સેનેટાઈઝર સહિતના પ્રકરણોમાં તેની ધરપકડ થઈ હતી.
કેવી રીતે ઘટના સામે આવી ?
જ્યારે આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના બિલોદરા અને બગડુ ગામમાં બે દિવસમાં પાંચ લોકોનાં મોત થતાં પોલીસતંત્ર દોડતું થઇ ગયું હતું. બુધવારે સાંજે ઘટનાની ગંભીરતા સમજી દોડતી થયેલી પોલીસ રાતથી જ બિલોદરા અને બગડુ ગામે પહોંચી ગઇ હતી, જ્યાં આયુર્વેદિક સિરપ વેચનાર બિલોદરાના કિશન સોઢા સહિત ત્રણ શંકાસ્પદોની રાતોરાત ધરપકડ કરી લીધી હતી.
એટલું જ નહીં અગાઉ જે ચાર વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં, તેમના પરિવાર દ્વારા પોલીસને જાણ કર્યા વગર જ તેમના અંતિમસંસ્કાર કરી દીધા હતા. જોકે બુધવારે મોડી સાંજે મૃત્યુ પામેલા મૃતકનાં પરિવારજનોને સમજાવી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી, જેના પીએમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ મિથાઇલ આલ્કોહોલ અને પોઇઝનિંગના કારણે થયું હોવાનું સ્પષ્ટ હતું.