- બિહારી યુવાનનું કિડનેપિંગ કરાયું
- પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડ્યો
- એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી હતી
મુંબઈના પાલઘરમાં રેઈનકોટની ફેક્ટ્રીનું કામ છોડી પાંચ કારીગરો સાથે સુરત નોકરી માટે આવી ગયેલાં બિહારી યુવાનનું સુરત રેલવે સ્ટેશન બહારથી જ પૂર્વ માલિક સહિત ત્રણ શખ્સો દ્વારા અપહરણ કરી લઈ જવાતાં ચકચાર મચી ગઈ હતી. આ યુવાનને લેવા આવેલાં સુરતના યુવાનનું પણ કિડનેપિંગ કરી લેવામાં આવ્યું હતું. જોકે તેને અપહરણકારોએ અધવચ્ચેથી જ છોડી દીધો હતો. બપોરે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસનો કાફલો પણ દોડતો થયો હતો અને એક ટીમ તપાસ માટે મુંબઈ ખાતે રવાના કરવામાં આવી હતી.
પોલીસના સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે બિહારનો વતની મોહમ્મદ દુલાર બસીર અંસારી ખટોદરા હેલ્થ સેન્ટર સામે રણછોડરાય નગરમાં રેઈનકોટની ફેકટ્રીમાં નોકરી કરે છે. આ ફેક્ટરીના માલિક પ્રતિકભાઈએ કારીગરો મંગાવવાનું કહેતાં મુંબઈના પાલઘરમાં નોકરી કરતાં પિતરાઈ ઓઝેર ઝનીફ અંસારીને જણાવતાં તે પોતાના અન્ય પાંચ કારીગર મિત્રો સાથે રવિવારે સવારે આઠેક વાગ્યાના અરસામાં સુરત રેલવે સ્ટેશને આવી પહોંચ્યો હતો.













