કચ્છમાં કચ્છી લેઉવા પટેલ સમાજ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં અત્યારે ભારત અને પાકિસ્તાનની સરહદ પર તંગદિલીભર્યું વાતાવરણ છે. ભારતના ઓપરેશન સિંદૂર બાદ અત્યારે દેશની સરહદ પરના વિસ્તારોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ગુજરાતનો કચ્છ વિસ્તાર પણ પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. દેશમાં પ્રવર્તમાન યુદ્ધ જેવી સ્થિતિના માહોલને લઈને કચ્છી લેઉવા પટેલ સમાજ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.


 નિઃશુલ્ક સારવારનું વચન

કચ્છી લેઉવા પટેલ સમાજે નિર્ણય કર્યો છે કે હોસ્પિટલમાં ઘાયલ સૈનિકો અને જનતાને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત ભુજની લેઉવા પટેલ અને કે કે પટેલ હોસ્પિટલ પણ આ નિર્ણયનું સમર્થન આપતા સંભવિત યુદ્ધગ્રસ્તોને મફત સારવાર આપવાની જાહેરાત કરી છે. બંન્ને હોસ્પિટલમાં કુલ 400 બેડ છે અને હાલમાં 50 બેડ સંભવિત યુદ્ધગ્રસ્તોને મદદ કરવા રિઝર્વ રાખવામાં આવ્યા છે. કચ્છી લેઉવા પટેલ સમાજ દ્વારા જિલ્લા સ્તરે સરકારને આ બાબતની જાણ કરતો પત્ર લખી રજૂઆત કરવામાં આવી. આ પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે અમારી સંસ્થા પહલગામમાં નિર્દોષ પ્રવાસીઓને મારી નાખવાના આતંકવાદી કૃત્યને સખત વખોડીએ છીએ. અને ભારત સરકાર આતંકવાદીઓના આ નિંદનીય કૃત્યનો જડબાતોડ જવાબ આપતા જે પગલા લઈ રહી છે તે ખરેખર પ્રસંશનીય છે.

ભારતીય સેનાની કરી પ્રશંસા

દેશના અન્ય નાગિરકોની જેમ અમે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓને જવાબ આપ્યો તે કામગીરીને લઈને જાબાજ સૈનિકોને અભિનદંન આપીએ છીએ. આગામી સમયમાં યુદ્ધની સ્થિતિ સર્જાય તો પણ અમે સરકાર અને સેનાની સાથે છીએ. અમે સંભવિત યુદ્ધની સ્થિતિને પગલે ઉદભવતી અરાજકતાની સ્થિતિમાં ઘાયલ સૈનિક હોય કે નાગરિક હોય તેમને અમે હોસ્પિટલમાં મફત સારવાર આપીશું. કચ્છનું વહીવટીતંત્ર અને કચ્છના નાગરિકો અને સરહદી વિસ્તારમાં રહેતા વસતા તમામ લોકો રાષ્ટ્રપ્રેમને લઈને તમામ પ્રકારની મદદ માટે તૈયાર છે. કચ્છના નાગરિકો આતંકવાદીઓને પોષણ આપતા પાકિસ્તાન સામે ભારતની કડક કાર્યવાહીની પ્રશંસા કરી રહ્યા છે.

આતંકવાદને ભારતનો જવાબ

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો જવાબ આપવા ભારતે મંગળવારની રાત્રે 1 વાગ્યાની આસપાસ ઓપરેશ સિંદૂર હેઠળ આતંકવાદીઓના 9 ઠેકાણા ધ્વસ્ત કર્યા હતા. ભારતની સર્જીકલ સ્ટ્રાઈકમાં બાદ પાકિસ્તાને વળતો હુમલો કરતા જમ્મુ-કાશ્મીરમાં અંધાધૂધ ગોળી બાર કર્યો હતો. ઓપરેશન સિંદૂર એ ભારતની સેના, વાયુસેના અને નૌકાદળનું સંયુક્ત પગલું છે. આ હુમલામાં ભારતના 15 નાગરિકના મોત થયા હતા જ્યારે આતંકના આકા મોહમ્મદ મસૂરના પરિવારનો પણ સફાયો થયો હતો.

  • Follow us on: