કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2025-2026 સ્વ-ભંડોળનું 662.51 કરોડની પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું તો આ સામાન્ય સભામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાના વર્ષ 2025-26ના લેબર બજેટ અંગે પણ દરખાસ્ત કરવામાં આવી હતી, તેમજ સ્ટેમ્પ ડ્યુટી રોયલ્ટી અંતર્ગત મંજૂર થયેલા કામોમાં સૂચિત ફેરફાર કામોની બહાલી આપવામાં આવી હતી.


બાંધકામ ક્ષેત્રે 2.40 કરોડની જોગવાઈઓ કરવામાં આવી

આજ રોજ કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ કચ્છ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, સામાજીક ન્યાય સમિતિ ચેરપર્સન, શાસકપક્ષના નેતા, દંડક, વિરોધપક્ષના નેતા તેમજ કચ્છ જિલ્લા પંચાયતના સદસ્યોની હાજરીમાં વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. બજેટમાં શિક્ષણ ક્ષેત્રે 4.23 કરોડ,બાંધકામ ક્ષેત્રે 2.40 કરોડની જોગવાઈઓ કરવામાં આવી. કચ્છ જિલ્લા પંચાયતના વર્ષ 2025-26ના અંદાજપત્રમાં વિવિધ ક્ષેત્રે આવક તથા ખર્ચની જોગવાઈ પણ કરવામાં આવી છે.

અલગ અલગ ક્ષેત્રમાં બજેટની કરી ફાળવણી

જેમાં સામાન્ય વહીવટી ક્ષેત્રે 1.01 કરોડ, બાંધકામ ક્ષેત્રે 2.40 કરોડ, શિક્ષણ ક્ષેત્રે 4.23 કરોડ, વિકાસ/પંચાયત અને મહેકમ ક્ષેત્રે 59.45 લાખ, આયુર્વેદ ક્ષેત્રે 1 લાખ ,આરોગ્ય ક્ષેત્રે 6.8 લાખ, ખેતીવાડી ક્ષેત્રે 7.30 લાખ, પશુપાલન ક્ષેત્રે 9.40 લાખ તથા આંકડા ક્ષેત્રે 1.5 લાખની જોગવાઈ કરવામાં આવી છે.આ ઉપરાંત સમાજ કલ્યાણ ક્ષેત્રે 37.50 લાખ, કુદરતી આફત ક્ષેત્રે 1.50 લાખ, સિંચાઇ ક્ષેત્રે 5 લાખ ,ગ્રામ્ય નાના ઉદ્યોગ અને સહકાર ક્ષેત્રે 25 હજારની જોગવાઈ કરવામાં આવી છે.

સામાન્ય સભામાં લીધેલા નિર્ણય ઉપરનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો

આજની કચ્છ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી તો અગાઉની સામાન્ય સભામાં લીધેલા નિર્ણય ઉપરનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. સાથે જ વર્ષ 2025-26ના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી હતી અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાના વર્ષ 2025-26ના લેબર બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી તો સ્ટેમ્પ ડ્યુટી અને રોયલ્ટી અંતર્ગત મંજૂર થયેલ કામોમાં સૂચિત ફેરફારો કામોને બહાલી આપવામાં આવી હતી અને સાથે જ 15માં નાણાપંચ અંતર્ગત વર્ષ 2025-26ની જિલ્લા વિકાસ યોજનાના વિકાસ કામોના આયોજનોને પણ બહાલી આપવામાં આવી હતી.

સામાન્ય સભામાં વર્ષ 2025-26 માટેનું 662.51 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું

કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2025-26 માટેનું 662.51 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રે વિકાસ થાય તે માટે તેમજ છેવાડાના વ્યક્તિ સુધી વિવિધ યોજનાના લાભ પહોંચે તે માટે જોગવાઈઓ કરવામાં આવી છે તો કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ્ટ બાબતે ગઈકાલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે અને 4100 જેટલા શિક્ષકોની ભરતી કચ્છમાં જ આજીવન એટલે કે નિવૃતિ સુધી શિક્ષક તરીકે નોકરી કરવાની શરતે કરવામાં આવશે, તેથી તે સમસ્યાનો નિકાલ થયો છે. 

  • Follow us on: