ગાંધીધામ મહાનગરપાલિકા જાહેર થઈ ગયા બાદ શહેરના માર્ગો પહોળા બને અને દબાણોને હટાવાય તે માટે ગાંધીધામ અને આદિપુરમાં 3000થી વધુ લોકોને દબાણ સ્વેછાએ હટાવી લેવા નોટિસ આપી હતી. જે સમયમર્યાદામાં નહીં હટાવવામાં આવે તો મનપા દબાણ હટાવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. જે અંતર્ગત હવે ગાંધીધામ મનપા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી આરંભી છે.
આ અંગે નાયબ મ્યુનિસિપલ કમિશ્નર સંજય રામાનુજ પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીધામ મનપામાં અત્યાર સુધી લગભગ 3000થી વધુ દબાણકારોને નોટિસ આપવામાં આવી છે. મનપા માં આવતા વિસ્તારો પૈકીના ગાંધીધામ શહેર અને આદિપુર શહેરમાં આ નોટિસો હાલે અપાઈ છે. જેમાં સમયગાળો પણ આપવામાં આવ્યો હતો. જે બાદ ખાસ કરીને આદિપુરમાં લોકો દ્વારા સ્વેછાએ દબાણ હટાવવાનું શરૂ પણ કરી નાખ્યું હતું અને ગાંધીધામમાં પણ ઘણા લોકો સ્વછાએ દબાણ હટાવતા જોવા મળ્યા છે. મળતી માહિતી મુજબ, ગાંધીધામ મનપા દ્વારા દબાણ હટાવવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આદિપુરના વિવિધ વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ઘોડા ચોકડીથી ઓમ મંદિર સુધીના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવાચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. આગામી સમયમાં બાકી રહેતા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે.













