અમદાવાદમાં શહેરના પોળ વિસ્તારના શાક માર્કેટમાં ભારે ભીડ રહેતી હોય છે. અનેક વખત લોકો ટ્રાફિકના કારણે કાલુપુરના શાક માર્કેટમાં જવાનું ટાળતા હોય છે. આ બાબતને ધ્યાને લઈને મનપા દ્વારા પ્રહલાદ નગર વિસ્તારમાં નવું વેજીટેબલ માર્કેટ બનાવ્યું. આ વેજીટેબલ માર્કેટમાં અંદાજે 200 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે જેથી કરીને લોકોને તમામ શાકભાજી એક જ સ્થાન પરથી મળી રહે. પરંતુ પ્રહલાદ નગરના વેજીટેબલ માર્કેટમાં નથી ગ્રાહકો અને નથી વિક્રેતા.
લાખો ખર્ચી બનાવ્યું છતાં ખાલીખમ.. માર્કેટ
અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં AMC દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યું છે. આ માર્કેટમાં 200થી પણ વધુ શાકભાજીના સ્ટોલ બનાવાયા છે. પરંતુ તંત્રના મિસમેનેજમેન્ટ ના કારણે હાલ આ વેજીટેબલ માર્કેટ ધૂળ ખાઈ રહ્યું છે. એક પણ શાકભાજી વિક્રેતા અહીંયા શાકભાજી વેચવા નથી આવી રહ્યા. જેનું કારણ છે કે અહીંયા જગ્યા ફાળવામાં આવેલ શાકભાજી વિક્રેતાની પાસે કોઈ શાકભાજીની ખરીદી કરવા માટે જ નથી આવી રહ્યું.
શોભાના ગાંઠિયા સમાન માર્કેટ
સમાન્ય રીતે વેજીટેબલ માર્કેટ ત્યાં બનાવાય છે જ્યાં રેસિડેન્ટ વિસ્તાર હોય. પ્રહલાદનગરનું આ શાક માર્કેટ કમર્શિયલ બિલ્ડીંગ અને ઓફિસોની વચ્ચો વચ બનાવવામાં આવ્યું છે. માર્કેટની આસપાસ રહેણાંક મકાનો જ નથી કે ગૃહિણીઓ શાકભાજીની ખરીદી કરવા માટે આવી શકે. બીજી બાજુ જે શાકભાજી વિક્રેતાને જગ્યા આપવામાં આવી છે તે વિક્રેતા પહેલા પોતાનો ધંધો જોધપુર,સેટેલાઇટ,આનંદ નગર જેવા વિસ્તારમાં વેપાર કરતા હતા. જ્યાંથી આ માર્કેટ બે કિલોમીટર જેટલું દૂર છે જેથી બાંધેલ ગ્રાહકો પણ તેમની પાસે ખરીદી કરવા નથી આવતા.
તંત્ર ને અનેક રજૂઆતો બાદ પણ શાકભાજી વિક્રેતાઓને યોગ્ય રેસિડેન્ટ વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ નથી બનાવી આપવામાં આવ્યું. ત્યારે હાલ તો લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ પ્રહલાદ નગરનું આ વેજિટેબલ માર્કેટ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે.