અમદાવાદમાં અસમાજિક તત્ત્વો સામે પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. જ્યારે આજે પોલીસ કામગીરીના બહાને દાદાગીરી કરતી હોવાનો લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે. શહેરમાં ઠક્કરબાપા નગરમાં મોડી રાતે પોલીસ અને રોડ પર ઉભા રહેતા લારી દુકાનદારો વચ્ચે બબાલ થયાની ઘટના સામે આવી છે.લારી ધારક યુવકનું કહેવું છે કે પોલીસે તેમને ખોટી રીતે માર માર્યો છે. લારી ધારક યુવક અને પોલીસ વચ્ચે થયેલ બબાલની સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યો છે. જેના બાદ પોલીસ ખરેખર કામગીરી કરી રહી છે કે પછી કામગીરીની આડમાં લોકોને હેરાન કરી રહી છે તેવા સવાલ ઉભા થયા છે.
પોલીસની ગુંડાગીરી
ઠક્કર નગરમાં ગત રાત્રિએ પોલીસ રોડની બાજુ પર ઉભા રહેતા ખાણી પાણીની લારીઓ હટાવવાની કામગીરી માટે ગઈ હતી. આ કામગીરી દરમિયાન લારી ધારકો અને પોલીસ વચ્ચે મોટી માથાકૂટ થઈ હતી. ખાણીપીણીની લારી ધરાવનાર લોકોનું કહેવું છે કે પોલીસ તેમને નોટિસ આપ્યા વગર માર મારવા લાગી હતી. એક પોલીસકર્મી દ્વારા યુવકના ગુપ્તાંગ પર દંડો મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. પોલીસની ગુંડાગીરીનો ભોગ બનેલ યુવકને કહેવું છે કે પોલીસ વધુ ઝડપે વાહન ચલાવનાર લોકોને પકડે છે તો પોલીસ પોતે પણ આજે બેફામ ઝડપી ગાડી ચલાવી અમને અંહી પોલીસ સ્ટેશનમાં લાવી છે.
પોલીસની ગેરવર્તણૂંકને લઈને ફરિયાદ
ઠક્કરનગરથી જ્યારે પોલીસ લારીવાળાઓને પકડીને લઈ રહી જતી હતી ત્યારે પોલીસવાને અનેક બમ્પ કૂદાવ્યા હતા. પ્રજાને ઝડપી વાહન ચલાવવા બાબતે દંડ ફટકારવામાં આવે છે તો શું પોલીસને સ્પીડમાં વાહન ચલાવવાનો પરવાનો મળેલો છે. જો પોલીસ પણ ગુંડાઓની જેમ દાદાગીરી કરી કામ કરતી હોય તો બંને વચ્ચે શું ફરક. આખરે ગુંડાઓની ગુંડાગીરી અને પોલીસની ગુંડાગોરીનો ભોગ તો નિર્દોષ લોકો જ બનતા હોય છે. ઠક્કર નગરમાં થયેલ બબાલમાં પોલીસના મારનો ભોગ બનેલ યુવકે નિકોલ પોલીસમાં પોલીસની ગેરવર્તણૂંકને લઈને અરજી કરી.
પોલીસની ગેરવર્તણૂંક પર કયારે લગામ
નોંધનીય છે કે રાજ્યમાં બેફામ બનેલા અસમાજિક તત્ત્વો સામે ગૃહ વિભાગ દ્વારા કડક કાર્યવાહીના આદેશ કરાયા છે. અનેક ગુંડાઓ, બુટલેગરો અને લુખાતત્ત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરતા તેમને સજા ફટકારવા સાથે તેમના ગેરકાયદે મકાનો પણ તોડવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા કરાતી ગુંડાગીરી પર કોની લગામ લાગશે?