અમરેલી સાવરકુંડલા નેશનલ હાઈવે ઉપર બે દિવસ પહેલા અજાણ્યા વાહનની ટક્કરે એક ત્રણ વર્ષના સિંહબાળનું મોત થયું હતું અને વાહન ચાલક ફરાર થઈ ગયો જેને આજે વનવિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી સિંહોની અવરજવરમાં વધારો મળ્યો છે. અનેક વખત સિંહની લટારના વીડિયો સામે આવતા હોય છે.
અકસ્માતની અડફેટે બાળ સિંહનું મોત
પ્રાપ્ત વિગત મુજબ 24 એપ્રિલે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ એક અજાણ્યા વાહન ચાલક સિંહબાળને કચડી નાખી સિંહબાળનું મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો, જેની જાણ લીલીયા વનવિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સિંહબાળનો કબજો લઈ પીએમ ખાતે મોકલેલી આપ્યો હતો , જે અનુસંધાને લીલીયા વનવિભાગ દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો, જેમાં અમરેલી થી સાવરકુંડલા વચ્ચે આવતા પેટ્રોલપંપ, હોટલો તેમજ અમરેલી નેત્રમ સહિત અલગ અલગ 9 જેટલા લોકેશન ઉપર સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા તેમજ રસ્તામાં આવતા ગામડાઓમાં પૂછપરછ કર્યા બાદ તપાસના અંતે અકસ્માત સર્જનાર એક GJ 3 BT 7795 નંબર નો ડુંગળી ભરેલો ટ્રક હોવાની શંકા જતા ટ્રક માલિકની અને ડ્રાઈવરની પૂછ પરછ કરતા અને ટ્રકમાં સિંહબાળ સાથે અકસ્માત થયાના પુરાવા મળતા અમરેલી વનવિભાગ દ્વારા કુકાવાવ રોડ ઉપરથી આજે ટ્રક અને ટ્રક ચાલકની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીમાં સિંહોની વધી લટાર
અમરેલીમાં અનેક વખત મોડી રાત્રે સિંહો ગામમાં તેમજ લોકોના ઘરમા ઘૂસ્યા હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો કે જેમાં સિંહ ઘરના રસોડામાં ઘૂસી ગયો હતો. ત્યારે અન્ય એક ઘટનામાં મોડી રાત્રે ગામમાં લટાર મારતા સિંહો ગાયનો શિકાર કરે છે. ગીરની નજીક હોવાના કારણે અમરેલીમાં સિંહોની અવરજવર વધી હોવાનું કહેવાય છે. મોડી રાત્રે સિંહો માર્ગો પર લટાર મારવા નીકળે છે દરમિયાન નેશનલ હાઈવે પર પણ મોડી રાત્રે જ ભારે વાહનો પસાર થતા હોય છે. ત્યારે બે દિવસ અગાઉ પૂરપાટ ઝડપે આવતી ટ્રકે હાઈવે પર ફરતા બાળ સિંહને અડફેટે લીધો હતો. જેના બાદ ચાલક ફરાર થઈ ગયો હતો. આ અથડામણ બાદ બાળ સિંહનું મૃત્યુ થયું હતું.