રાજકોટમાં કાયદાકીય રીતે પ્રતિબંધિત બાળ મજૂરીના કિસ્સો સામે આવ્યા છે. દેશભરમાં બાળમજૂરી પર પ્રતિબંધ હોવા છતાં આજે પણ હોટલ અને ફેકટરી સહિતના સ્થાનો પર બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવે છે. રાજકોટ પોલીસે બાતમીના આધારે શહેરમાં એક સ્થાન પર રેડ પાડી. જ્યાંથી 20 જેટલા બાળકો મળી આવ્યા. મકાનમાં ગોંધી રાખવામાં આવેલ તમામ બાળકોને પોલીસે મુક્ત કરાવ્યા અને મેડિકલ ચેકઅપની તજવીજ હાથ ધરી.
મકાનમાં ગોંધી રાખ્યા બાળકો
મળતી માહિતી મુજબ રાજકોટમાં ફરી એક વખત બાળ મજૂરો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડે તે રીતે તેમની પાસે કામ કરાવવું એક કાનૂની અપરાધ છે. છતાં તાજેતરમાં રાજકોટમાં બાળકો પાસે ઇમીગ્રેશનના કામને લઈને મજૂરી કરાવવામાં આવે છે. શહેરમાં SOG, હ્યુમન ટ્રાફિક વિંગ અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સંયુક્તપણે રેડ પાડવામાં આવી. પોલીસને માહિતી મળી હતી કે બેડી ચોકડી નજીક એક મકાનમાં બાળકોને ગોંધી રાખવામાં આવ્યા હતા. જેના આધારે કાર્યવાહી કરતા ગોપાલ રેસીડેન્સી વિસ્તારના એક મકાનમાં રેડ પાડી. જ્યાંથી 20 જેટલા બાળકો મળી આવ્યા. તમામ બાળકો પશ્ચિમ બંગાળના વતની હોવાનું સામે આવ્યું.
પોલીસે બાળકોને મુક્ત કરાવ્યા
પોલીસે બેડી ચોકડી નજીક મકાનમાંથી મળી આવેલ પશ્ચિમ બંગાળના 20 જેટલા બાળકોને મુક્ત કરાવ્યા. અને આ તમામ બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી માટે મેડિકલ ચેકઅપની તજવીજ હાથ ધરી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ બાળકોને ઇમીગ્રેશનના કામ માટે પશ્ચિમબંગાળથી રાજકોટ લાવવામાં આવ્યા હતા. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. ઉપરાંત પોલીસે બાળ મજૂરી માટે લાવનાર ઠેકેદાર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવ્યું. અગાઉ રાજકોટમાં અગાઉ 2019માં 25 બાળકો અને 2023માં 9 જેટલા બાળ મજૂરી કરનાર બાળકોને મુક્ત કરાવ્યા હતા. જ્યારે હવે ફરી બાળમજૂરીની ઘટના સામે આવતા રાજકોટમાં ચાલતી હ્યુમન ટ્રાફિકિંગને લઈને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.