અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામ તાલુકામાંથી એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વિરમગામ તાલુકાના વલાણા અને ચંદ્રનગર ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં એક ટ્રેક્ટર અચાનક ખાબક્યું હતું. સદનસીબે આ નર્મદા માઇનોર કેનાલ હાલમાં પાણી વિનાની એટલે કે ખાલી હોવાથી એક મોટી હોનારત ટળી ગઈ હતી. આ અકસ્માતને પગલે આસપાસના ગ્રામજનો અને માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.


ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બની ઘટના

ટ્રેક્ટર ચાલક કેનાલની બાજુમાંથી પસાર થતા રસ્તા પરથી પોતાનું વાહન લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન કેનાલ રોડ પર અચાનક કોઈ કારણસર ટ્રેક્ટર ચાલકે સ્ટેયરિંગ પરનો પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતાં જ ટ્રેક્ટર સીધું રસ્તાની સાઈડમાં આવેલી ખાલી કેનાલમાં જઈ પડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્ત ચાલકને કેનાલમાંથી બહાર કાઢીને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ટ્રેક્ટરને બહાર કાઢવા સ્થાનિકોએ કવાયત શરૂ કરી

અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રેક્ટર કેનાલના પટમાં ઊંધું વળી ગયું હતું. આ ઘટના બાદ આસપાસના ગ્રામજનોએ એકઠા થઈને કેનાલમાં ખાબકેલા ટ્રેક્ટરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરી હતી. આ માટે અન્ય ભારે વાહનો કે ક્રેનની મદદ લેવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. આ અકસ્માત અંગે વિરમગામ ગ્રામ્ય પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને, ચાલકે કયા કારણોસર કાબૂ ગુમાવ્યો તે દિશામાં આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: