અમરેલી જિલ્લાના લાઠી પંથકમાંથી ધર્મના નામે ભોળા લોકોને છેતરી આર્થિક લૂંટ ચલાવતી એક શાતિર ટોળકીનો પર્દાફાશ થયો છે. લાઠી નજીક આવેલા પ્રખ્યાત ભુરખિયા ધામ ખાતે પરિવાર પરથી 'મેલું હટાવવાની' તાંત્રિક વિધિના નામે એક નાગરિક સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. બે ગઠિયાઓએ ભોગ બનનાર વ્યક્તિને ડરાવીને, વિધિના બહાને તેની પાસેથી રૂપિયા 20,000ની રોકડ રકમ અને આંગળીમાંથી સોનાની કિંમતી વીંટી પડાવી લીધી હતી. ગઠિયાઓ નાસી છૂટ્યા બાદ ભોગ બનનારને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
અમરેલી LCB પોલીસે 2 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપ્યા
ધાર્મિક આસ્થાનો દુરુપયોગ કરી લોકોને લૂંટતા તત્વોને પકડવા માટે અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. LCB પોલીસે ટેકનિકલ લોકેશન અને બાતમીદારોની મદદથી સચોટ ઓપરેશન પાર પાડીને રાજકોટ જિલ્લાના જસદણ પંથકના બે શખ્સોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ દીપકનાથ ધાંધુ અને રોહીતનાથ ધાંધુ તરીકે થઈ છે. પોલીસે આ આરોપીઓ પાસેથી છેતરપિંડી કરીને પડાવેલા રૂપિયા 20,000 રોકડા, સોનાની વીંટી તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલું મોટરસાયકલ (બાઇક) સહિતનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.













