અમરેલીમાં વન્યજીવોના વધતા જતા હુમલાઓ અને જાનહાનિની ઘટનાઓને પગલે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અમરેલી પંથકની મુલાકાત લીધી હતી. વનમંત્રી અમરેલીના ચતુરિયા ગામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં થોડા દિવસો પહેલાં એક પાંચ વર્ષના માસૂમ બાળકનું સિંહના હુમલામાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વનમંત્રીએ મૃતક બાળકના શોકગ્રસ્ત પરિવારજનોની મુલાકાત લઈને તેમને વ્યક્તિગત રીતે સાંત્વના પાઠવી હતી અને દુઃખની આ ઘડીમાં સરકાર તેમની સાથે હોવાનો ભરોસો આપ્યો હતો. તેમણે ભાવુકતા સાથે જણાવ્યું હતું કે, "તમારી પીડા એ અમારી પીડા છે."


ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રજૂઆતો સાંભળી

ચતુરિયા ગામની આ મુલાકાત દરમિયાન વનમંત્રીની સાથે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રનો કાફલો પણ હાજર રહ્યો હતો. વનમંત્રીએ ગ્રામજનો અને પીડિત પરિવારને સાથે રાખીને વન વિભાગના અધિકારીઓની હાજરીમાં જ સ્થાનિક સ્તરે સર્જાતી મુશ્કેલીઓ અને રજૂઆતોને ખૂબ જ ગંભીરતાપૂર્વક સાંભળી હતી. ગ્રામજનોએ માનવ અને વન્યજીવ વચ્ચેના સંઘર્ષ (Man-Animal Conflict) ને રોકવા તેમજ પંથકમાં સિંહો અને દીપડાના આતંકમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે વનમંત્રી સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી.

વન્યજીવ સંઘર્ષ રોકવા લાંબા ગાળાના આયોજનની ખાતરી

તમામ રજૂઆતો અને સ્થાનિક પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પત્રકારો અને ગ્રામજનો સમક્ષ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આવી કમનસીબ ઘટનાઓ ફરીથી ન બને તે માટે સરકાર ટૂંકા ગાળાના નહિ, પરંતુ મોટા અને લાંબા ગાળાના નક્કર પગલાં લેવા જઈ રહી છે. સિંહોના વસવાટ, તેમના મૂવમેન્ટ ટ્રેકિંગ અને રેવન્યુ વિસ્તારમાં પશુઓના પ્રવેશને અટકાવવા માટે આધુનિક ટેકનોલોજી અને વિશેષ આયોજન કરવામાં આવશે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: