અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના જાફરાબાદ પંથકમાં વન્યજીવો દ્વારા માનવ વસ્તી તરફ પલાયન થવાની અને પાલતુ પશુઓ પર હુમલા કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામમાં મોડી રાત્રે એક ખૂંખાર દીપડો શિકારની શોધમાં ગામની શેરીઓમાં ઘૂસી આવ્યો હતો. ગામના એક રહેણાંક વિસ્તારની ગલીમાં શાંતિથી બેઠેલા શ્વાન (કૂતરા) પર દીપડાએ અચાનક હિંસક હુમલો કર્યો હતો. આ હુમલો એટલો જોરદાર હતો કે ગણતરીની સેકન્ડોમાં જ દીપડો કદાવર શ્વાનને પોતાના મજબૂત જડબામાં દબોચીને અંધારામાં ફરાર થઈ ગયો હતો.
શિકારની હૃદયકંપાવનારી ઘટના CCTV કેમેરામાં કેદ
ગામની ગલીમાં બનેલી આ હૃદયકંપાવનારી લાઈવ ઘટના ત્યાં નજીકના મકાન પર લગાવેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દીપડો કઈ રીતે દબાતા પગલે આવે છે અને પલકારામાં શ્વાન પર ત્રાટકે છે. દીપડાના હુમલા સમયે આસપાસના અન્ય શ્વાનો જીવ બચાવવા ભાગ્યા હતા અને જોરજોરથી રાડા રાડ (ભસવાનું) શરૂ કરી મૂક્યું હતું. આ રોમાંચક અને ડરામણો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે.













