અમરેલીના સાવરકુંડલામાં એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે મોટું દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. સાવરકુંડલા શહેરના જનતા બાગ નજીક GUDC દ્વારા ગટર લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન JCB ચાલકે સેફ્ટીના કોઈ પણ નિયમોને ધ્યાનમાં રાખ્યા વિના આડેધડ ખોદકામ કરતા સીધી ગુજરાત ગેસની મેઈન લાઇન તોડી નાખી હતી. લાઇન તૂટતા જ મોટો ધડાકો થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટ અને ભાગદોડ મચી ગઈ હતી.
ઘટના સ્થળેથી ફરાર થયો ચાલક
ગેસ લાઇન તૂટ્યા બાદ સર્જાયેલી અરાજકતાનો લાભ ઉઠાવીને JCB ચાલક પોતાનું મશીન ઘટના સ્થળે જ મૂકીને તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, તંત્રની આવી બેદરકારી અને કામગીરી દરમિયાન પૂરતી સાવચેતી ન રાખવાને કારણે ઘણીવાર નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ જાય છે. આ મામલે કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે.













