અમરેલી જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે લાઠી પોલીસે એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ થાય તે પહેલાં જ લાઠી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સફળ ઓપરેશનથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
લાઠી-ટોડા રોડ પર ફિલ્મી ઢબે ટ્રક આંતરી દારૂ ઝડપાયો
લાઠી પોલીસને ચોક્કસ અને ખાનગી બાતમી મળી હતી કે એક મોટા વાહનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે લાઠી અને ટોડા ગામ વચ્ચે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રક આવતાં જ પોલીસે તેને આંતરીને તલાશી લીધી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી કોઈ સામાન્ય સામાન નહીં, પરંતુ અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓનો મોટો જથ્થો મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.













