આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મહીસાગર નદીના લાલપુરા કિનારે નાહવા પડેલા બાજીપુરા ગામના એક આશાસ્પદ યુવકનું ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અને યુવકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.


બાજીપુરાના મહેશકુમારનું મોત નીપજયું

મળતી માહિતી મુજબ, બાજીપુરાનો રહેવાસી મહેશકુમાર નામનો યુવક લાલપુરા નજીક વહેતી મહીસાગર નદીમાં નાહવા માટે ગયો હતો. નાહતી વખતે અચાનક પગ લપસતાં અથવા પાણીના પ્રવાહનો અંદાજ ન આવતાં યુવક નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. આસપાસના લોકોએ બૂમાબૂમ કરતાં આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના તરવૈયાઓએ નદીના ઊંડા પાણીમાં ભારે શોધખોળ આદરી હતી અને અંતે યુવકના મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

ઉમરેઠ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

આ કમનસીબ ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાતા ઉમરેઠ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. યુવકના શબને પોસ્ટમોર્ટમ અર્થે ઉમરેઠની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. ચોમાસાની શરૂઆતમાં નદીઓ અને જળાશયોમાં પાણીની આવક વધતી હોવાથી વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને નદી કિનારે ન જવા અને જોખમી રીતે નાહવા ન પડવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: