અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા પાલ્લા ગામેથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પાલ્લા ગામમાં આવેલા એક રહેણાંક મકાનમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મકાનમાં રાખેલી તમામ ઘરવખરી અને કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો છે.


અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા

ઘટનાની મળતી માહિતી અનુસાર, પાલ્લા ગામે આવેલા એક ચાલુ મકાનમાં અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા, અને જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ જોઈને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોતાના સ્તરે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગ વધુ ઉગ્ર બનતા ગ્રામજનોએ તાત્કાલિક મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગને આ અંગે જાણ કરી હતી.

પરિવારને મોટું આર્થિક નુકસાન

ઘટનાની માહિતી મળતા જ મોડાસા પાલિકાની ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો, જેને પગલે મોટી હોનારત ટળી હતી અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, મકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, આગમાં ઘરનો મોટાભાગનો સામાન બળી જતાં પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


આ પણ વાંચો - Arvalli: અરવલ્લી જિલ્લામાં વરસાદની અવઢવ વચ્ચે ખેડૂતો દ્વારા મગફ્ળી, કપાસનું વાવેતર શરૂ કરાયું


  • Follow us on: