બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અમીરગઢમાંથી પોલીસ અને બુટલેગરો વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. અમીરગઢ પોલીસની ટીમ જ્યારે ખુણીયા પાટીયા નજીક રોડ પર કડક વાહન ચેકિંગ કરી રહી હતી, તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક હ્યુન્ડાઈ ઈઓન કારના ચાલકે પોલીસને જોઈને ગભરાઈને પોતાની ગાડી રોકવાને બદલે પૂરપાટ ઝડપે ભગાડી મૂકી હતી. બુટલેગરે કાર ભગાડતા જ સતર્ક થયેલી અમીરગઢ પોલીસે તાત્કાલિક પોતાની સરકારી ગાડીઓ સાથે આ શંકાસ્પદ કારનો ફિલ્મી ઢબે પીછો શરૂ કર્યો હતો.


જોરાપુરા પાટીયા પાસે કાર મૂકી ચાલક ફરાર

પોલીસને સતત પાછળ આવતી જોઈને ગભરાયેલો બુટલેગર પોતાની કારને જોરાપુરા પાટીયા પાસે રોડની સાઈડમાં મૂકીને અંધારાનો લાભ ઉઠાવી સીમમાં ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બિનવારસી હાલતમાં પડેલી હ્યુન્ડાઈ કારની સઘન તલાશી લીધી હતી. કારની અંદરથી પોલીસને પાસ-પરમીટ વગરનો ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની નાની-મોટી કુલ 341 બોટલો તથા ટીનનો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસે તુરંત કબજે કર્યો હતો.

ફરાર બુટલેગરને પકડવા તપાસ તેજ

અમીરગઢ પોલીસે આ સફળ કામગીરી દરમિયાન કારમાંથી મળી આવેલો રૂ.2,59,936ની કિંમતનો વિદેશી દારૂ અને હેરાફેરીમાં વપરાયેલી રૂ.3,00,000ની કિંમતની હ્યુન્ડાઈ ઈઓન કાર મળીને કુલ રૂ. 5,59,936/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે અમીરગઢ પોલીસે પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગેની કડીઓ મેળવવા તેમજ રાત્રિના અંધારામાં ફરાર થઈ ગયેલા શાતિર કાર ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: