બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી એક અત્યંત ચોંકાવનારી અને લોકો માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. સામાન્ય રીતે કૂતરા કે બિલાડી કરડવાથી હડકવા થતો હોવાનું આપણે સાંભળ્યું છે, પરંતુ અહીં એક નોળિયો કરડવાના દોઢ મહિના બાદ મહિલામાં હડકવાના ઘાતક લક્ષણો દેખાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે તબીબી જગતમાં ચકચાર મચી ગઈ છે અને મૃતક મહિલાના પરિવારમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે.


રાજસ્થાનની મહિલાને દોઢ મહિના પહેલા એક નોળિયો કરડ્યો

મળતી માહિતી મુજબ, મૂળ પાડોશી રાજ્ય રાજસ્થાનની વતની આ મહિલાને આશરે દોઢ મહિના પહેલા એક નોળિયો કરડ્યો હતો. તે સમયે મહિલાએ બેદરકારી દાખવીને હડકવા વિરોધી રસીનો માત્ર એક જ ડોઝ લીધો હતો અને ત્યાર બાદ કોર્સ અધૂરો છોડી દીધો હતો. દોઢ માસનો સમય વીત્યા બાદ અચાનક મહિલાના શરીરમાં હડકવાના ગંભીર અને ભયજનક લક્ષણો દેખાવા લાગ્યા હતા. તબિયત લથડતાં તેમને તાત્કાલિક બનાસકાંઠાની પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.

 સારવાર દરમિયાન જ મહિલાએ દમ તોડી દીધો

મહિલામાં હડકવાના ચિહ્નો જણાતાં હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. આ સાથે જ હડકવાના સત્તાવાર પરીક્ષણ માટે મહિલાના જરૂરી સેમ્પલ લઈને લેબોરેટરીમાં રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જોકે, હડકવાના લક્ષણો એકવાર શરીરમાં દેખાયા બાદ દર્દીને બચાવવો અત્યંત મુશ્કેલ બની જાય છે. આ કિસ્સામાં પણ તમામ પ્રયાસો છતાં સારવાર દરમિયાન જ મહિલાએ દમ તોડી દીધો હતો. તબીબો આ ઘટના બાદ લોકોને અપીલ કરી રહ્યા છે કે વન્યજીવ કે કોઈપણ શંકાસ્પદ પ્રાણી કરડે ત્યારે હડકવાની રસીનો સંપૂર્ણ કોર્સ કરવો અનિવાર્ય છે, સહેજ પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. 


આ પણ વાંચો----     Gujarat Latest News Live :ભારત માટે રાહત, હોર્મુઝ પાર કરીને LNG જહાજ ગુજરાત પહોંચ્યું

  • Follow us on: