બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના સકલાણા ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. ગત રાત્રે વાવાઝોડા અને ભારે પવનના કારણે તૂટી પડેલા જીવંત વીજ વાયરની ઝપેટમાં આવી જતાં એક્ટિવા સવાર પિતા અને પુત્ર બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. કુદરત અને તંત્રની બેદરકારીના કારણે એક જ પરિવારના બે કમાઉ સભ્યો ગુમાવવાનો વારો આવતા સમગ્ર સકલાણા ગામમાં માતમ છવાઈ ગયો છે અને અરેરાટી વ્યાપી ગઈ છે.


પોલ લોકેશન પર પિન ફાયર થવાને કારણે ટેકનિકલ ફોલ્ટ સર્જાયો

મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે બનાસકાંઠા પંથકમાં વીજળીના કડાકા-ભડાકા અને વાવાઝોડા સાથે હવામાન પલટાયું હતું. આ વાવાઝોડા દરમિયાન સકલાણા ગામની સીમમાં પિન પોલ લોકેશન પર પિન ફાયર થવાને કારણે ટેકનિકલ ફોલ્ટ સર્જાયો હતો અને ખેતરોમાંથી પસાર થતો હાઈટેન્શન વીજ વાયર તૂટીને નીચે પડ્યો હતો. વાયર લાઈવ હોવાથી તેમાં ભારે કરંટ દોડી રહ્યો હતો.

પાક બચાવવા જતા કાળ આંબી ગયો

બીજી તરફ, ખેતરમાં ઉભેલા કિંમતી પાકને વાવાઝોડા અને વરસાદથી બચાવવા અથવા તેની સ્થિતિ જોવા માટે પિતા અને પુત્ર બંને રાત્રિના સમયે એક્ટિવા બાઈક પર સવાર થઈને ખેતર તરફ જવા નીકળ્યા હતા. અંધારામાં રસ્તા પર તૂટી પડેલો લાઈવ વીજ વાયર તેમને દેખાયો ન હતો અને એક્ટિવા સીધું તેની ઉપર ચડી ગયું હતું. વાયરમાં દોડતા હજારો વોલ્ટના કરંટના જોરદાર ઝટકાને કારણે પિતા-પુત્ર બંનેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બંનેના મૃતદેહોને હોસ્પિટલ ખસેડાયા

ઘટનાની જાણ થતાં જ આસપાસના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા અને વીજ કંપની તેમજ પોલીસને જાણ કરી હતી. મોડી રાત્રે વીજ પુરવઠો બંધ કરાવી બંનેના મૃતદેહોને હોસ્પિટલ ખસેડાયા હતા. ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું કે, જો વીજ કંપનીની સિસ્ટમ સમયસર ટ્રીપ થઈ ગઈ હોત તો આ બે નિર્દોષ જીવ બચી શક્યા હોત. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : રામ નામે પથ્થર તર્યા..! અયોધ્યા રામ મંદિરમાં સવા વર્ષ સુધી કેવી રીતે ચાલ્યું કરોડોનું ' દાન કૌભાંડ'? વાંચો ઇન-ડેપ્થ માહિતી

  • Follow us on: