ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર એક અત્યંત કમકમાટીભર્યો અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અને મોટરસાયકલ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે સવાર અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતાં હાઈવે ચીસોથી ગુંજી ઉઠ્યો હતો.


પૂરપાટ ઝડપે આવતી કારે બાઇકને લીધું અડફેટે

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, આ ભયાનક અકસ્માત અંકલેશ્વર પાસેથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ 48 પર સર્જાયો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલા બાઇક સવારોને એક બેફામ ગતિએ દોડતી કારે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે, બાઇકના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને તેના પર સવાર બંને યુવકો રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

એક યુવકનું ઘટનાસ્થળે જ મોત

કાર અને બાઇક વચ્ચે થયેલી આ ભીષણ ટક્કરમાં બાઇક સવાર એક યુવકને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક પર બેઠેલો અન્ય એક યુવક લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સર્વિસને જાણ કરવામાં આવી હતી, જેના દ્વારા ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાઇવે પર ટ્રાફિક જામ

અકસ્માતની જાણ થતાં જ સ્થાનીક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક યુવકના શબને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માતના પગલે નેશનલ હાઈવે 48 પર થોડો સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ પોલીસે વાહનો બાજુ પર ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Bharuch: માંડલી ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો


  • Follow us on: